૧૧૨ : સાચો માર્ગ લે..... )
( સમ્યગ્દર્શન
કોઈ કહે કે અમે તો વર્ષોથી ઘણી મહેનત કરીને તૂટી મરીએ
છીએ, છતાં કેમ કંઈ આત્મપ્રાપ્તિ થતી નથી? – તો જ્ઞાની
સમજાવે છે : હે ભાઈ! તું સમજ કે તારો પ્રયત્ન સાચી દિશામાં
નથી; તેં ‘નકામો કોલાહલ છોડીને’ પ્રયત્ન નથી કર્યો; તારા
નિર્ણયમાં, જ્ઞાનમાં, રુચિમાં ભૂલ છે; શું ભૂલ છે તે જ્ઞાની જ તને
સમજાવી શકશે. બાકી તો, વિકલ્પમાત્ર કોલાહલ છે, અને તું કહે
છે કે ‘હું વિકલ્પ વડે આત્માનો નિર્ણય કે અભ્યાસ કરું છું’ તો તેં
વિકલ્પોના કોલાહલને ક્યાં છોડયો? ઊલ્ટું તેના ગ્રહણની બુદ્ધિ
કરી.....પછી આત્માનો માર્ગ તને ક્યાંથી હાથ આવે? ‘પોતાની
રીતે’ વર્ષોથી પ્રયત્ન કરવા છતાં કાંઈ હાથ ન આવ્યું તો સમજ કે
તું માર્ગ જ ભૂલ્યો છે. (દોડયો ઘણું....પણ ઊંધા રસ્તે!) જ્ઞાની
પાસેથી સાચી રીત સમજીને ફરી એકડે એકથી શરુ કર અને પછી
જો....કે છ મહિનામાં કેવું ઉત્તમ ફળ આવે છે!!
સાચા માર્ગનું, સાચા નિર્ણયનું, સાચા પ્રયત્નનું ફળ જરુર
આવે છે.....ને તત્કાળ તે આત્મામાં દેખાય છે.
– માટે હે ભવ્ય આત્માર્થી! તું ભય છોડ.....અત્યાર સુધી
જે કાંઈ કર્યું ને નિષ્ફળ ગયું તેનો આગ્રહ છોડી દે; ને કોઈક
જ્ઞાનીના માર્ગદર્શન અનુસાર, પ્રસન્નતાથી.....સાચા ભાવથી,
નિઃશંકપણે અને દુનિયાથી નિર્ભયપણે, તું આત્માની અનુભૂતિના
પ્રયત્નમાં તારા ‘જ્ઞાનને’ જોડ જરુર મહાન આનંદસહિત તને
આત્મઅનુભૂતિ થશે.....ને સમ્યગ્દર્શન વડે તારા આત્મકલ્યાણના
કોડ પૂરા થશે.