સમ્યગ્દર્શન )
( વિવિધ ચર્ચાઓ : ૧૧૯
સમયસાર ગા. ૬૯ – ૭૦ માં આચાર્યદેવ કહે છે કે –
‘જ્ઞાનક્રિયા સ્વભાવભૂત હોવાથી નિષેધવામાં આવી નથી.’ – એટલે
કે આત્મામાં તે સ્વીકારવામાં આવી છે. આત્મા એવો અક્રિય નથી
કે તેનામાં જ્ઞાનક્રિયા પણ ન હોય. રાગાદિ ક્રિયાને આત્માથી ભિન્ન
કહીને, મોક્ષમાર્ગમાંથી તેનો નિષેધ કર્યો છે; જ્ઞાનક્રિયા તો
આત્માના સ્વભાવભૂત છે, તેને આત્માથી જુદી પાડી શકાય નહિ,
તેનો નિષેધ કરી શકાય નહીં. આત્મા સર્વથા અકર્તા નથી, નિજ
શુદ્ધભાવનો તો કર્તા છે. ‘આત્મસિદ્ધિ’ માં જ્ઞાન પામેલો શિષ્ય
પોતાના અનુભવનું વર્ણન કરતાં કહે છે કે –
‘‘અથવા નિજપરિણામ જે શુદ્ધ ચેતનારુપ
કર્તા – ભોક્તા તેહનો, નિર્વિકલ્પ – સ્વરુપ.’’
જ્ઞાની વિભાવકર્મોના અકર્તા – અભોક્તા છે; પરંતુ પોતાના
શુદ્ધ ચેતનભાવોના તે અભેદપણે (વિકલ્પ વગર) કર્તા – ભોક્તા
છે. આ શુદ્ધ કર્તા – ભોક્તાપણું જ્ઞાનીને જ સમજાય છે.
શું અંદર અને શું બહાર ?
✽ સમ્યગ્દર્શન આત્માનું અંતરંગ તત્ત્વ છે, કે આત્માથી
બાહ્ય છે?
સમ્યગ્દર્શન તે આત્માનું અભેદ – અંતરંગ તત્ત્વ છે, તે
આત્માથી જુદું કે બાહ્ય નથી.
✽ ધર્માત્મા પોતાના શુદ્ધ દ્રવ્ય – ગુણ – પર્યાયોને પોતાની
અંદર સમાવે છે, કોઈને બહાર નથી રાખતો; ને સર્વે રાગાદિ
પરભાવોને પોતાથી બહાર રાખે છે, ચૈતન્યમાં નથી ભેળવતો.
– આવી છે ધર્માત્માની ભેદજ્ઞાનદશા.
‘‘નિજભાવને છોડે નહીં; પરભાવ કંઈપણ નવગ્રહે.’’