ત્યારે તો અજ્ઞાનભાવથી એકત્વબુદ્ધિપૂર્વક જ એ પદાર્થોને જોતો’તો;
એટલે એ પદાર્થોનું ભિન્નપણું, એ પદાર્થોનું મારાથી અત્યંત દૂરપણું
મને ખરેખર દેખાતું ન હતું. હવે મારું સ્વતત્ત્વ મેં જોયું અને આ
સ્વતત્ત્વની પાસે પરતત્ત્વો, જગતના બધા તત્ત્વો કેટલા બધા દૂર છે,
કેટલા બધા અપરિચિત છે, એ હવે મને ભેદજ્ઞાનદ્રષ્ટિથી સ્પષ્ટ
દેખાય છે. જેમ સ્વતત્ત્વને જીવનમાં પહેલીવાર જોયું તેમ પરતત્ત્વને
પરરુપે પણ ખરેખર તો જીવનમાં પહેલીવાર જ જોયા.
ભેદજ્ઞાનસહિતનું જ્ઞાન, ભેદજ્ઞાનસહિતનું સ્વ – પરનું જ્ઞાન, હવે જ
શરુ થયું. અને આવું ભેદજ્ઞાન થતાં પરતત્ત્વો પોતાનાથી એટલા
બધા દૂર, એટલા બધા જુદા, એટલા બધા વિજાતીય દેખાયા, અને
સ્વતત્ત્વની ગંભીરતા, સ્વતત્ત્વનું અંતરમાં ઊંડાણ એટલું બધું દેખાયું
કે પરમ વૈરાગ્ય થઈ ગયો. સ્વતત્ત્વના એકત્વમાં લીનતા, અને
પરતત્ત્વોથી ભિન્નતારુપ પરમ વૈરાગ્ય, એવી વૈરાગ્યની ઘેરી છાયા
મારી પરિણતિમાં છવાઈ ગઈ; ચૈતન્યભાવ રાગ વગરનો થઈ
ગયો, એટલે પોતે જ એકાંત – વૈરાગ્યરુપ, એકાંત શુદ્ધચેતનારુપ
તે પરિણતિ થઈ ગઈ. આવી ઘેરી વૈરાગ્યની છાયાપૂર્વક હવે જે
કાંઈ જણાય છે તેમાં પણ એ વૈરાગ્યભાવ ભેગો જ છે, એટલે
ક્યાંય કોઈપણ પરતત્ત્વમાં મોહભાવ થતો નથી, એકત્વબુદ્ધિ થતી
નથી, ભિન્નપણાનું ભાન ખસતું નથી; અને સ્વતત્ત્વ જે અતિ અપૂર્વ
ચૈતન્યભાવસહિત દેખ્યું, એ ચૈતન્યભાવમાં ચોંટેલું મારું ચિત્ત હવે
ત્યાંથી કદી ખસતું નથી અને ચૈતન્યથી બહારના કોઈ પદાર્થમાં
મારું ચિત્ત હવે ચોંટતું નથી.