સમ્યગ્દર્શન )
( એક સિંહની આત્મકથા : ૭
એક સિંહની આત્મકથા
અનાદિ અજ્ઞાનથી સંસારમાં રઝડતો – રઝડતો હું એકવાર
ઋષભદેવનો પૌત્ર (મરીચિ) થયેલો. ભગવાને કહેલું કે હું
ભવિષ્યમાં તીર્થંકર થઈશ. તે સાંભળીને મને હર્ષની સાથે
અભિમાન થયું. અરેરે, ત્યારે મારા દાદાજીના ધર્મદરબારમાં પણ
હું આત્મજ્ઞાન ન પામ્યો, ને અસંખ્યભવ સુધી નરક – નિગોદમાં
ભટક્યો;
પછી એકવાર હું વિશ્વનંદી – રાજકુમાર થયો ત્યારે
આત્મજ્ઞાન પામ્યો હતો, પણ અરેરે! પાછો વિષય – કષાયવશ હું
તેને ભૂલી ગયો ને નરક – તિર્યંચમાં રખડયો.
એકવાર હું સિંહ થયો; હરણને મારીને માંસ ખાવાની તૈયારી
કરતો હતો; ત્યાં એકાએક બે મુનિરાજ આકાશમાંથી ઊતર્યા,
એમને જોતાં જ હું ચકિત થયો : શો અદ્ભુત એમનો દેદાર! કેવા
નિર્ભય! ને મુદ્રામાં કેવી અપાર શાંતિ! અહા, કેવા વાત્સલ્યથી
મારી સામે જોઈ રહ્યા છે!
– કોણ છે આ મહાપુરુષ! શા માટે અહીં પધાર્યા હશે!
મારા કોઈ હિતસ્વી હોય એવા લાગે છે. મારું ચિત્ત એમનામાં એવું
થંભી ગયું છે કે હું ભૂખ્યો હોવા છતાં, અને નજીકમાં મરેલ હરણ
પડયું હોવા છતાં, તે ખાવાની વૃત્તિ જ સર્વથા છૂટી ગઈ છે. અરે,
ક્યાં મારી હિંસક વૃત્તિ! ને ક્યાં આ મુનિવરોની પરમ શાંતિ!
એમનો સંગ મને બહુ જ ગમતો હતો. આશ્ચર્યદ્રષ્ટિ – દ્વારા
મેં પૂછ્યું – પ્રભો! આપ કેમ પધાર્યા છો? આપની નિકટતામાં મને
કોઈ મહાન શાંતિ થાય છે.