૧૯૨ : સ્વાનુભૂતિ-પ્રકાશ )
( સમ્યગ્દર્શન
અતીન્દ્રિય થયેલા છો ને હું પણ આપની જાતનો ભાવ પ્રગટ કરીને
હવે આપની મંગળ યાત્રા કરવા ચાહું છું. અહો પ્રભો! આપને
મારા ફરીફરીને નમસ્કાર છે.
અત્યારે, જ્યારે શ્રી ગુરુ સંઘસહિત બાહુબલી – યાત્રાએ
સીધાવ્યા છે ત્યારે, હું ‘સર્વજ્ઞમહાવીર’ના જીવનચરિત્રનું આલેખન
કરવા સોનગઢમાં રહ્યો છું. અહો વર્દ્ધમાન જિનેન્દ્ર! – એમનું
સ્વાનુભતિ સહિતનું બાળપણ કેવું મહાન અદ્ભુત હતું! ને
ત્રિશલામાતા પણ પોતાના લાડીલા પુત્ર પાસેથી સ્વાનુભૂતિનો કેવો
મજાનો આનંદ લેતા હતા!! ( – એ બધું લખાઈને ચોવીસ
તીર્થંકરોના ‘મહાપુરાણ’માં છપાઈ ગયું છે.)
અહો ધન્ય તે માતા.....ને ધન્ય એ નાનકડા બાલતીર્થંકર!
નાનકડા શું કહેવા! – જેના અંતરમાં સ્વાનુભૂતિ શોભી રહી છે
એવા ભગવાનને નાના કેમ કહેવાય? અહો સ્વાનુભૂતિ! તું જે
આત્મામાં બિરાજી રહી છો તે આત્મા મહાન છે.....તે આત્મા
મોક્ષનો સાધક છે.....અથવા, સ્વાનુભૂતિના અંશની અપેક્ષાએ
કહીએ તો તે આત્મા પોતે મોક્ષસ્વરુપ જ છે.
અહો વીરનાથ! આપ મોક્ષ પધાર્યા તેને અઢી હજાર વર્ષ પૂરા
થયા.....અત્યારે ૨૫૦૧ મું મંગલ વર્ષ ચાલી રહ્યું છે. આપના
અદ્ભુત જીવનચરિત્રનું આલેખન કરવા માટે હું સોનગઢમાં રહ્યો
છું. અહો સર્વજ્ઞપિતા! આપનું પરમ ચૈતન્યમયજીવન, તે હવે મને
ઓળખાણમાં આવ્યું છે, તેથી આપના આત્મિકજીવનનું સાચું
આલેખન સાધકભાવસહિત હું કરી રહ્યો છું. -આ મારા જીવનનો
એક ધન્ય મહાન આનંદનો પ્રસંગ છે.....આપના મહાન ઉપકારની
પ્રસિદ્ધિનો આ પ્રસંગ છે તે ભવ્ય જીવોને પણ આપના સાચા
સ્વરુપની ઓળખાણ કરાવીને સમ્યગ્દર્શન પામવામાં હેતુભૂત થશે.