સમ્યગ્દર્શન )
( ચૈતન્ય નગરી તરફ : ૨૫
(૩)
✽ આત્મનગરીમાં ત્રીજું પગલું ✽
હવે ત્રીજા દિવસે વિચાર કરતાં મને એમ થાય છે કે –
હું આત્માની શાંતિનગરીમાં આવ્યો છું, છતાં પણ આ
કષાયોથી હજી મારો છૂટકારો નથી થયો, ને સાચી શાંતિ મને નથી
મળતી, – આમ કેમ?
– તો મારા સત્સંગી સ્વાનુભવીજનો મને એમ બતાવે છે કે
અરે ભાઈ! પૂર્વપરિચિત તે કષાયોનો રસ હજી પણ તેં નથી
છોડયો.....અને અમારી સાથે રહેવા છતાં ચૈતન્યનો સાચો રસ તેં
પ્રગટ કર્યો નથી, તો પછી તને શાંતિ કેમ મળે? શું કષાયોમાંથી કદી
શાંતિ મળે છે? – ના, કદી નહીં.
કષાય અને જ્ઞાનાદિ ગુણો એકબીજાથી સાવ વિરુદ્ધ છે. જ્ઞાન
તો જીવનો સ્વભાવ – ગુણ છે, તેના વગર જીવ જીવી શકતો જ નથી.
અને કષાય કાંઈ જીવનો ગુણ નથી પણ વિરોધી છે. કષાયનો નાશ
થતાં કાંઈ જીવનો નાશ નથી થતો. કષાય તો કર્મનો મિત્ર છે અને
આત્માનો દુશ્મન છે.
જેમ જ્ઞાન જીવનો મિત્ર (સ્વભાવ) છે તેમ કષાય કાંઈ જીવનો
મિત્ર નથી. જ્ઞાન જીવનો ગુણ છે તેમ શાંતિ પણ જીવનો ગુણ છે; અને
એક વસ્તુના બે ગુણો એકબીજાના વિરોધી હોતા નથી. તેથી જ્ઞાન
અને શાંતિ તો એકસાથે રહે છે – પણ ક્રોધ અને શાંતિ એકસાથે કદી
રહી શકતા નથી. ક્રોધ અને અશાંતિ સદા સાથે હોય છે. આ રીતે,
શાંતિ અને ક્રોધની અત્યંત ભિન્નતા જાણીને હું મારા જ્ઞાનને શાંતિની
સાથે જોડું છું અને ક્રોધને જ્ઞાનમાંથી બહાર કાઢી નાખું છું.
વાહ! આવા મારા જ્ઞાનમાં મને તો કોઈ અદ્ભુત મજા આવે
છે અને નવી જ શાંતિ મળે છે. બસ, આમાં જ હું રહી જાઉં છું. –
આ જ છે મારી આત્મનગરી.