૫૮ : સ્વભાવરસઘોલન )
( સમ્યગ્દર્શન
ઉપયોગ પૂરો પ્રવેશી ગયો પછી અનંતકાળેય કદી તેમાંથી બહાર
આવતો નથી, તો કલ્પના કરો કે ઉપયોગને તે સ્વરુપમાં કેટલી બધી
મજા આવતી હશે! બસ, એ તો ‘સાદિ – અનંત અનંત
સમાધિસુખમાં’ લીન છે.
✽ જડ તો તારી પાછળ નથી પડતું; તું શા માટે જડની પાછળ
દોડે છે? જીવ હોય તો બધુંય શોભે; જીવ ન હોય તો? બધું
સૂનસામ, શબ! તું સ્વયં શોભતો છો.....નકામો કચરો ચોપડી –
ચોપડીને મેલો કેમ થાશ? અરે, તું પોતે લોકેશ્વર – ઇન્દ્ર.....તે
મોહની ઇંદ્રજાળમાં કાં ફસાઈ ગયો? મરણીયો થઈને તારા
આત્માને સંસારના દુઃખાગ્નિમાંથી બહાર કાઢ.
✍એક માણસને ભ્રમણા થઈ ગઈ કે ‘હું મરી ગયો છું.’
કોઈએ પૂછ્યું : તમે શું કરો છો?
તેણે કહ્યું – ‘હું મરી ગયો છું.’
– તો આ જવાબ કોણ આપે છે?
‘હું જવાબ આપું છું.’
– તો તમે જીવતા છો કે મરેલા?
ત્યારે ભાન થયું કે અરે, ‘હું તો જીવતો છું.’
તેમ જીવને ભ્રમણા થઈ ગઈ હતી કે ‘હું અચેતન – શરીર છું.’
કોઈએ તેને પૂછ્યું : તમે કોણ છો?
તેણે કહ્યું : ‘હું અચેતન શરીર છું.’
– તો આ શરીરને કોણ જાણે છે?
તેણે કહ્યું : ‘હું જાણું છું.’
– તો જાણનારા તમે ચેતન છો કે અચેતન?
ત્યારે વિચાર કરતાં દેહથી ભિન્નતાનું ભાન થયું કે
‘અહા! હું તો ચેતનસ્વરુપ છું.’