શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે નિત્ય વર્જે હાસ્યને, રતિ અરતિ તેમ જ શોકને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૧.
જે નિત્ય વર્જે ભય જુગુપ્સા, વર્જતો સૌ વેદને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૨.
જે નિત્ય ધ્યાવે ધર્મ તેમ જ શુક્લ ઉત્તમ ધ્યાનને,
સ્થાયી સમાયિક તેહને ભાખ્યું શ્રી કેવળીશાસને. ૧૩૩.
✽
૧૦. પરમ-ભક્તિ અધિકાર
શ્રાવક શ્રમણ સમ્યક્ત્વ-જ્ઞાન-ચરિત્રની ભક્તિ કરે,
નિર્વાણની છે ભક્તિ તેને એમ જિનદેવો કહે. ૧૩૪.
વળી મોક્ષગત પુરુષો તણો ગુણભેદ જાણી તેમની
જે પરમ ભક્તિ કરે, કહી શિવભક્તિ ત્યાં વ્યવહારથી. ૧૩૫.
શિવપંથ સ્થાપી આત્મને નિર્વાણની ભક્તિ કરે,
તે કારણે અસહાયગુણ નિજ આત્મને આત્મા વરે. ૧૩૬.
રાગાદિના પરિહારમાં જે સાધુ જોડે આત્મને,
છે યોગભક્તિ તેહને; કઈ રીત સંભવ અન્યને ? ૧૩૭.
સઘળા વિકલ્પ અભાવમાં જે સાધુ જોડે આત્મને,
છે યોગભક્તિ તેહને; કઈ રીત સંભવ અન્યને ? ૧૩૮.
વિપરીત આગ્રહ છોડીને, જૈનાભિહિત તત્ત્વો વિષે
જે જીવ જોડે આત્મને, નિજ ભાવ તેનો યોગ છે. ૧૩૯.
વૃષભાદિ જિનવર એ રીતે કરી શ્રેષ્ઠ ભક્તિ યોગની,
શિવસૌખ્ય પામ્યા; તેથી કર તું ભક્તિ ઉત્તમ યોગની. ૧૪૦.
✽
શ્રી નિયમસાર-પદ્યાનુવાદ ]
[ ૯૭