શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
બહુ વાર કાળ અનાદિથી પાર્શ્વસ્થ-આદિક ભાવના
તેં ભાવીને દુર્ભાવનાત્મક બીજથી દુઃખો લહ્યાં. ૧૪.
રે! હીન દેવ થઈ તું પામ્યો તીવ્ર માનસ દુઃખને,
દેવો તણા ગુણવિભવ, ૠદ્ધિ, મહાત્મ્ય બહુવિધ દેખીને. ૧૫.
મદમત્ત ને આસક્ત ચાર પ્રકારની વિકથા મહીં,
૧બહુશઃ કુદેવપણું લહ્યું તેં, અશુભ ભાવે પરિણમી. ૧૬.
હે મુનિપ્રવર! તું ચિર વસ્યો બહુ જનનીના ગર્ભોપણે
નિકૃષ્ટમળભરપૂર, અશુચિ, બીભત્સ ગર્ભાશય વિષે. ૧૭.
જન્મો અનંત વિષે અરે! જનની અનેરી અનેરીનું
સ્તનદૂધ તેં પીધું મહાયશ! ૨ઉદધિજળથી અતિ ઘણું. ૧૮.
તુજ મરણથી દુઃખાર્ત બહુ જનની અનેરી અનેરીનાં
નયનો થકી જળ જે વહ્યાં તે ઉદધિજળથી અતિ ઘણાં. ૧૯.
નિઃસીમ ભવમાં ત્યક્ત તુજ નખ-નાળ-અસ્થિ-કેશને
સુર કોઈ એકત્રિત કરે તો ૩ગિરિઅધિક રાશિ બને. ૨૦.
જલ-થલ-અનલ-પવને, નદી-ગિરિ-આભ-વન-વૃક્ષાદિમાં
વણ આત્મવશતા ચિર વસ્યો સર્વત્ર તું ત્રણ ભુવનમાં. ૨૧.
ભક્ષણ કર્યાં તેં લોકવર્તી પુદ્ગલોને સર્વને,
ફરી ફરી કર્યાં ભક્ષણ છતાં પામ્યો નહીં તું તૃપ્તિને. ૨૨.
પીડિત તૃષાથી તેં પીધાં છે સર્વ ૪ત્રિભુવનનીરને,
તોપણ તૃષા છેદાઈ ના; ચિંતવ અરે! ૫ભવછેદને. ૨૩.
૧. બહુશઃ = અનેક વાર.૨. ઉદધિજળ = સમુદ્રનું પાણી.
૩. ગિરિઅધિક રાશિ = પર્વતથી પણ વધુ મોટો ઢગલો.
૪. ત્રિભુવનનીર = ત્રણ લોકનું બધું પાણી.
૫. ભવછેદ = ભવનો નાશ.
૧૨૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય