શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
નોકર્મ-કર્મે ‘હું’, હુંમાં વળી ‘કર્મ ને નોકર્મ છે’,
— એ બુદ્ધિ જ્યાં લગી જીવની, અજ્ઞાની ત્યાં લગી તે રહે. ૧૯.
હું આ અને આ હું, હું છું આનો અને છે મારું આ,
જે અન્ય કો પરદ્રવ્ય મિશ્ર, સચિત્ત અગર અચિત્ત વા; ૨૦.
હતું મારું આ પૂર્વે, હું પણ આનો હતો ગતકાળમાં,
વળી આ થશે મારું અને આનો હું થઈશ ભવિષ્યમાં; ૨૧.
અયથાર્થ આત્મવિકલ્પ આવો, જીવ સંમૂઢ આચરે;
ભૂતાર્થને જાણેલ જ્ઞાની એ વિકલ્પ નહીં કરે. ૨૨.
અજ્ઞાનથી મોહિતમતિ બહુભાવસંયુત જીવ જે,
‘આ બદ્ધ તેમ અબદ્ધ પુદ્ગલદ્રવ્ય મારું’ તે કહે. ૨૩.
સર્વજ્ઞજ્ઞાન વિષે સદા ઉપયોગલક્ષણ જીવ જે,
તે કેમ પુદ્ગલ થઈ શકે કે ‘મારું આ’ તું કહે અરે? ૨૪.
જો જીવ પુદ્ગલ થાય, પામે પુદ્ગલો જીવત્વને,
તું તો જ એમ કહી શકે ‘આ મારું પુદ્ગલદ્રવ્ય છે’. ૨૫.
જો જીવ હોય ન દેહ તો આચાર્ય-તીર્થંકર તણી
સ્તુતિ સૌ ઠરે મિથ્યા જ, તેથી એકતા જીવ-દેહની! ૨૬.
જીવ-દેહ બન્ને એક છે — વ્યવહારનયનું વચન આ;
પણ નિશ્ચયે તો જીવ-દેહ કદાપિ એક પદાર્થ ના. ૨૭.
જીવથી જુદા પુદ્ગલમયી આ દેહને સ્તવીને મુનિ;
માને પ્રભુ કેવળી તણું વંદન થયું, સ્તવના થઈ. ૨૮.
પણ નિશ્ચયે નથી યોગ્ય એ, નહિ દેહગુણ કેવળી તણા;
જે કેવળીગુણને સ્તવે પરમાર્થ કેવળી તે સ્તવે. ૨૯.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૩