શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
વર્ણન કર્યે નગરી તણું નહિ થાય વર્ણન ભૂપનું,
કીધે શરીરગુણની સ્તુતિ નહિ સ્તવન કેવળીગુણનું. ૩૦.
જીતી ઇન્દ્રિયો જ્ઞાનસ્વભાવે અધિક જાણે આત્મને,
નિશ્ચય વિષે સ્થિત સાધુઓ ભાખે જિતેન્દ્રિય તેહને. ૩૧.
જીતી મોહ જ્ઞાનસ્વભાવથી જે અધિક જાણે આત્મને,
પરમાર્થના વિજ્ઞાયકો તે સાધુ જિતમોહી કહે. ૩૨.
જિતમોહ સાધુ તણો વળી ક્ષય મોહ જ્યારે થાય છે,
નિશ્ચયવિદો થકી તેહને ક્ષીણમોહ નામ કથાય છે. ૩૩.
સૌ ભાવને પર જાણીને પચખાણ ભાવોનું કરે,
તેથી નિયમથી જાણવું કે જ્ઞાન પ્રત્યાખ્યાન છે. ૩૪.
આ પારકું એમ જાણીને પરદ્રવ્યને કો નર તજે,
ત્યમ પારકા સૌ જાણીને પરભાવ જ્ઞાની પરિત્યજે. ૩૫.
નથી મોહ તે મારો કંઈ, ઉપયોગ કેવળ એક હું,
— એ જ્ઞાનને, જ્ઞાયક સમયના મોહનિર્મમતા કહે. ૩૬.
ધર્માદિ તે મારાં નથી, ઉપયોગ કેવળ એક હું,
— એ જ્ઞાનને, જ્ઞાયક સમયના ધર્મનિર્મમતા કહે. ૩૭.
હું એક, શુદ્ધ, સદા અરૂપી, જ્ઞાનદર્શનમય ખરે;
કંઈ અન્ય તે મારું જરી પરમાણુમાત્ર નથી અરે! ૩૮.
૧. જીવ-અજીવ અધિકાર
કો મૂઢ, આત્મ તણા અજાણ, પરાત્મવાદી જીવ જે,
‘છે કર્મ, અધ્યવસાન તે જીવ’ એમ એ નિરૂપણ કરે! ૩૯.
૪ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય