શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
વળી કોઈ અધ્યવસાનમાં અનુભાગ તીક્ષણ-મંદ જે,
એને જ માને આતમા, વળી અન્ય કો નોકર્મને! ૪૦.
કો અન્ય માને આતમા કર્મો તણા વળી ઉદયને,
કો તીવ્રમંદ-ગુણો સહિત કર્મો તણા અનુભાગને! ૪૧.
કો કર્મ ને જીવ ઉભયમિલને જીવની આશા ધરે,
કર્મો તણા સંયોગથી અભિલાષ કો જીવની કરે! ૪૨.
દુર્બુદ્ધિઓ બહુવિધ આવા, આતમા પરને કહે,
તે સર્વને પરમાર્થવાદી કહ્યા ન નિશ્ચયવાદીએ. ૪૩.
પુદ્ગલ તણા પરિણામથી નીપજેલ સર્વે ભાવ આ
સહુ કેવળીજિન ભાખિયા, તે જીવ કેમ કહો ભલા? ૪૪.
રે! કર્મ અષ્ટ પ્રકારનું જિન સર્વ પુદ્ગલમય કહે,
પરિપાક સમયે જેહનું ફળ દુઃખ નામ પ્રસિદ્ધ છે. ૪૫.
વ્યવહાર એ દર્શાવિયો જિનવર તણા ઉપદેશમાં,
આ સર્વ અધ્યવસાન આદિ ભાવ જ્યાં જીવ વર્ણવ્યા. ૪૬.
‘નિર્ગમન આ નૃપનું થયું’ — નિર્દેશ સૈન્યસમૂહને,
વ્યવહારથી કહેવાય એ, પણ ભૂપ એમાં એક છે; ૪૭.
ત્યમ સર્વ અધ્યવસાન આદિ અન્યભાવો જીવ છે,
— સૂત્રે કર્યો વ્યવહાર, પણ ત્યાં જીવ નિશ્ચય એક છે. ૪૮.
જીવ ચેતનાગુણ, શબ્દ-રસ-રૂપ-ગંધ-વ્યક્તિવિહીન છે,
નિર્દિષ્ટ નહિ સંસ્થાન જીવનું, ગ્રહણ લિંગ થકી નહીં. ૪૯.
નથી વર્ણ જીવને, ગંધ નહિ, નહિ સ્પર્શ, રસ જીવને નહીં,
નહિ રૂપ કે ન શરીર, નહિ સંસ્થાન, સંહનને નહીં; ૫૦.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૫