શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
નિજ અનુભવથી પ્રગટ જે, નિત્ય શરીર-પ્રમાણ,
લોકાલોક વિલોકતો, આત્મા અતિસુખવાન. ૨૧.
ઇન્દ્રિય-વિષયો નિગ્રહી, મન એકાગ્ર લગાય,
આત્મામાં સ્થિત આત્મને, જ્ઞાની નિજથી ધ્યાય. ૨૨.
અજ્ઞ-ભક્તિ અજ્ઞાનને, જ્ઞાન-ભક્તિ દે જ્ઞાન;
લોકોક્તિ — ‘જે જે ધરે, કરે તે તેનું દાન’. ૨૩.
આત્મધ્યાનના યોગથી, પરીષહો ન વેદાય,
શીઘ્ર સસંવર નિર્જરા, આસ્રવ-રોધન થાય. ૨૪.
‘ચટાઈનો કરનાર હું’, એ બેનો સંયોગ;
સ્વયં ધ્યાન ને ધ્યેય જ્યાં, કેવો ત્યાં સંયોગ? ૨૫.
મોહી બાંધે કર્મને, નિર્મમ જીવ મુકાય;
તેથી સઘળા યત્નથી, નિર્મમ ભાવ જગાય. ૨૬.
નિર્મમ એક વિશુદ્ધ હું, જ્ઞાની યોગી-ગમ્ય;
સંયોગી ભાવો બધા, મુજથી બાહ્ય અરમ્ય. ૨૭.
દેહીને સંયોગથી, દુઃખ-સમૂહનો ભોગ;
તેથી મન-વચ-કાયથી, છોડું સહુ સંયોગ. ૨૮.
ક્યાં ભીતિ જ્યાં અમર હું, ક્યાં પીડા વણ રોગ?
બાલ, યુવા, નહિ વૃદ્ધ હું, એ સહુ પુદ્ગલ જોગ. ૨૯.
મોહે ભોગવી પુદ્ગલો, કર્યો સર્વનો ત્યાગ;
મુજ જ્ઞાનીને ક્યાં હવે, એ એંઠોમાં રાગ? ૩૦.
કર્મ કર્મનું હિત ચહે, જીવ જીવનો સ્વાર્થ;
સ્વ પ્રભાવની વૃદ્ધિમાં, કોણ ન ચાહે સ્વાર્થ? ૩૧.
૧૭૮ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય