શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સદ્ગુરુ-વચન-પ્રસાદથી, જાણે ન આતમદેવ;
ભમે કુતીર્થે ત્યાં સુધી, કરે કપટના ખેલ. ૪૧.
તીર્થ-મંદિરે દેવ – નહિ — એ શ્રુતકેવળીવાણ;
તનમંદિરમાં દેવ જિન, તે નિશ્ચયથી જાણ. ૪૨.
તન-મંદિરમાં દેવ જિન, જન દેરે દેખંત;
હાસ્ય મને દેખાય આ, પ્રભુ ભિક્ષાર્થે ભમંત. ૪૩.
નથી દેવ મંદિર વિષે, દેવ ન મૂર્તિ ચિત્ર;
તન-મંદિરમાં દેવ જિન, સમજ થઈ સમચિત્ત. ૪૪.
તીર્થ-મંદિરે દેવ જિન, લોક કથે સહુ એમ;
વિરલા જ્ઞાની જાણતા, તન-મંદિરમાં દેવ. ૪૫.
જરા-મરણ ભયભીત જો, ધર્મ તું કર ગુણવાન;
અજરામર પદ પામવા, કર ધર્મૌષધિ પાન. ૪૬.
શાસ્ત્ર ભણે, મઠમાં રહે, શિરના લુંચે કેશ;
રાખે વેશ મુનિતણો, ધર્મ ન થાયે લેશ. ૪૭.
રાગ – દ્વેષ બે ત્યાગીને, નિજમાં કરે નિવાસ;
જિનવર ભાષિત ધર્મ તે, પંચમ ગતિ લઈ જાય. ૪૮.
મન ન ઘટે, આયુ ઘટે, ઘટે ન ઇચ્છા-મોહ;
આતમહિત સ્ફુરે નહિ, એમ ભમે સંસાર. ૪૯.
જ્યમ રમતું મન વિષયમાં, તેમ જો આત્મે લીન;
શીઘ્ર મળે નિર્વાણપદ, ધરે ન દેહ નવીન. ૫૦.
નર્કવાસ સમ જર્જરિત જાણો મલિન શરીર;
કરી શુદ્ધાતમ-ભાવના, શીઘ્ર લહો ભવતીર. ૫૧.
યોગસાર ]
[ ૧૮૫