શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જીવ હેતુભૂત થતાં અરે! પરિણામ દેખી બંધનું,
ઉપચારમાત્ર કથાય કે આ કર્મ આત્માએ કર્યું. ૧૦૫.
યોદ્ધા કરે જ્યાં યુદ્ધ ત્યાં એ નૃપકર્યું લોકો કહે,
એમ જ કર્યાં વ્યવહારથી જ્ઞાનાવરણ આદિ જીવે. ૧૦૬.
ઉપજાવતો, પ્રણમાવતો, ગ્રહતો અને બાંધે, કરે,
પુદ્ગલદરવને આતમા — વ્યવહારનયવક્તવ્ય છે. ૧૦૭.
ગુણદોષઉત્પાદક કહ્યો જ્યમ ભૂપને વ્યવહારથી,
ત્યમ દ્રવ્યગુણઉત્પન્નકર્તા જીવ કહ્યો વ્યવહારથી. ૧૦૮.
સામાન્ય પ્રત્યય ચાર નિશ્ચય બંધના કર્તા કહ્યા,
— મિથ્યાત્વ ને અવિરમણ તેમ કષાયયોગો જાણવા. ૧૦૯.
વળી તેમનો પણ વર્ણવ્યો આ ભેદ તેર પ્રકારનો,
— મિથ્યાત્વથી આદિ કરીને ચરમ ભેદ સયોગીનો. ૧૧૦.
પુદ્ગલકરમના ઉદયથી ઉત્પન્ન તેથી અજીવ આ,
તે જો કરે કર્મો ભલે, ભોક્તાય તેનો જીવ ના. ૧૧૧.
જેથી ખરે ‘ગુણ’ નામના આ પ્રત્યયો કર્મો કરે,
તેથી અકર્તા જીવ છે, ‘ગુણો’ કરે છે કર્મને. ૧૧૨.
ઉપયોગ જેમ અનન્ય જીવનો, ક્રોધ તેમ અનન્ય જો,
તો દોષ આવે જીવ તેમ અજીવના એકત્વનો. ૧૧૩.
તો જગતમાં જે જીવ તે જ અજીવ પણ નિશ્ચય ઠરે;
નોકર્મ, પ્રત્યય, કર્મના એકત્વમાં પણ દોષ એ. ૧૧૪.
જો ક્રોધ એ રીત અન્ય, જીવ ઉપયોગઆત્મક અન્ય છે,
તો ક્રોધવત્ નોકર્મ, પ્રત્યય, કર્મ તે પણ અન્ય છે. ૧૧૫.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૧૧