શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે માનતો — હું જિવાડું ને પર જીવ જિવાડે મુજને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૦.
છે આયુ-ઉદયે જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું,
તું આયુ તો દેતો નથી, તેં જીવન ક્યમ તેનું કર્યું? ૨૫૧.
છે આયુ-ઉદયે જીવન જીવનું એમ સર્વજ્ઞે કહ્યું,
તે આયુ તુજ દેતા નથી, તો જીવન ક્યમ તારું કર્યું? ૨૫૨.
જે માનતો — મુજથી દુખીસુખી હું કરું પર જીવને,
તે મૂઢ છે, અજ્ઞાની છે, વિપરીત એથી જ્ઞાની છે. ૨૫૩.
જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી થતા,
તું કર્મ તો દેતો નથી, તેં કેમ દુખિત-સુખી કર્યા? ૨૫૪.
જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને,
તે કર્મ તુજ દેતા નથી, તો દુખિત કેમ કર્યો તને? ૨૫૫.
જ્યાં કર્મ-ઉદયે જીવ સર્વે દુખિત તેમ સુખી બને,
તે કર્મ તુજ દેતા નથી, તો સુખિત કેમ કર્યો તને? ૨૫૬.
મરતો અને જે દુખી થતો — સૌ કર્મના ઉદયે બને,
તેથી ‘હણ્યો મેં, દુખી કર્યો’ — તુજ મત શું નહિ મિથ્યા ખરે? ૨૫૭.
વળી નવ મરે, નવ દુખી બને, તે કર્મના ઉદયે ખરે,
‘મેં નવ હણ્યો, નવ દુખી કર્યો’ – તુજ મત શું નહિ મિથ્યા ખરે? ૨૫૮.
આ બુદ્ધિ જે તુજ — ‘દુખિત તેમ સુખી કરું છું જીવને’,
તે મૂઢ મતિ તારી અરે! શુભ અશુભ બાંધે કર્મને. ૨૫૯.
કરતો તું અધ્યવસાન — ‘દુખિત-સુખી કરું છું જીવને’,
તે પાપનું બંધક અગર તો પુણ્યનું બંધક બને. ૨૬૦.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૨૫