શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
વ્યવહારનય એ રીત જાણ નિષિદ્ધ નિશ્ચયનય થકી;
નિશ્ચયનયાશ્રિત મુનિવરો પ્રાપ્તિ કરે નિર્વાણની. ૨૭૨.
જિનવરકહેલાં વ્રત, સમિતિ, ગુપ્તિ, વળી તપ-શીલને
કરતાં છતાંય અભવ્ય જીવ અજ્ઞાની મિથ્યાદ્રષ્ટિ છે. ૨૭૩.
મુક્તિ તણી શ્રદ્ધારહિત અભવ્ય જીવ શાસ્ત્રો ભણે,
પણ જ્ઞાનની શ્રદ્ધારહિતને પઠન એ નહિ ગુણ કરે. ૨૭૪.
તે ધર્મને શ્રદ્ધે, પ્રતીત, રુચિ અને સ્પર્શન કરે,
તે ભોગહેતુ ધર્મને, નહિ કર્મક્ષયના હેતુને. ૨૭૫.
‘આચાર’ આદિ જ્ઞાન છે, જીવાદિ દર્શન જાણવું,
ષટ્જીવનિકાય ચરિત છે, — એ કથન નય વ્યવહારનું. ૨૭૬.
મુજ આત્મ નિશ્ચય જ્ઞાન છે, મુજ આત્મ દર્શન ચરિત છે,
મુજ આત્મ પ્રત્યાખ્યાન ને મુજ આત્મ સંવર – યોગ છે. ૨૭૭.
જ્યમ સ્ફટિકમણિ છે શુદ્ધ, રક્તરૂપે સ્વયં નહિ પરિણમે,
પણ અન્ય જે રક્તાદિ દ્રવ્યો તે વડે રાતો બને; ૨૭૮.
ત્યમ ‘જ્ઞાની’ પણ છે શુદ્ધ, રાગરૂપે સ્વયં નહિ પરિણમે,
પણ અન્ય જે રાગાદિ દોષો તે વડે રાગી બને. ૨૭૯.
કદી રાગદ્વેષવિમોહ અગર કષાયભાવો નિજ વિષે
જ્ઞાની સ્વયં કરતો નથી, તેથી ન તત્કારક ઠરે. ૨૮૦.
પણ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે,
તે-રૂપ જે પ્રણમે, ફરી તે બાંધતો રાગાદિને. ૨૮૧.
એમ રાગ-દ્વેષ-કષાયકર્મનિમિત્ત થાયે ભાવ જે,
તે-રૂપ આત્મા પરિણમે, તે બાંધતો રાગાદિને. ૨૮૨.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૨૭