શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
બંધન મહીં જે બદ્ધ તે નર બંધછેદનથી છૂટે,
ત્યમ જીવ પણ બંધો તણું છેદન કરી મુક્તિ લહે. ૨૯૨.
બંધો તણો જાણી સ્વભાવ, સ્વભાવ જાણી આત્મનો,
જે બંધ માંહી વિરક્ત થાયે, કર્મમોક્ષ કરે અહો! ૨૯૩.
જીવ બંધ બન્ને, નિયત નિજ નિજ લક્ષણે છેદાય છે,
પ્રજ્ઞાછીણી થકી છેદતાં બન્ને જુદા પડી જાય છે. ૨૯૪.
જીવ બંધ જ્યાં છેદાય એ રીત નિયત નિજ નિજ લક્ષણે,
ત્યાં છોડવો એ બંધને, જીવ ગ્રહણ કરવો શુદ્ધને. ૨૯૫.
એ જીવ કેમ ગ્રહાય? જીવ ગ્રહાય છે પ્રજ્ઞા વડે;
પ્રજ્ઞાથી જ્યમ જુદો કર્યો ત્યમ ગ્રહણ પણ પ્રજ્ઞા વડે. ૨૯૬.
પ્રજ્ઞાથી ગ્રહવો — નિશ્ચયે જે ચેતનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર — જાણવું. ૨૯૭.
પ્રજ્ઞાથી ગ્રહવો — નિશ્ચયે જે દેખનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર — જાણવું. ૨૯૮.
પ્રજ્ઞાથી ગ્રહવો — નિશ્ચયે જે જાણનારો તે જ હું,
બાકી બધા જે ભાવ તે સૌ મુજ થકી પર — જાણવું. ૨૯૯.
સૌ ભાવ જે પરકીય જાણે, શુદ્ધ જાણે આત્મને,
તે કોણ જ્ઞાની ‘મારું આ’ એવું વચન બોલે ખરે? ૩૦૦.
અપરાધ ચૌર્યાદિક કરે જે પુરુષ તે શંકિત ફરે,
કે લોકમાં ફરતાં રખે કો ચોર જાણી બાંધશે; ૩૦૧.
અપરાધ જે કરતો નથી, નિઃશંક લોક વિષે ફરે,
‘બંધાઉં હું’ એવી કદી ચિંતા ન થાયે તેહને. ૩૦૨.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૨૯