શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
કર્મો ભમાવે ઊર્ધ્વ લોકે, અધઃ ને તિર્યક્ વિષે,
જે કાંઈ પણ શુભ કે અશુભ તે સર્વને કર્મ જ કરે. ૩૩૪.
કર્મ જ કરે છે, કર્મ એ આપે, હરે, — સઘળું કરે,
તેથી ઠરે છે એમ કે આત્મા અકારક સર્વ છે. ૩૩૫.
વળી ‘પુરુષકર્મ સ્ત્રીને અને સ્ત્રીકર્મ ઇચ્છે પુરુષને’
— એવી શ્રુતિ આચાર્ય કેરી પરંપરા ઊતરેલ છે. ૩૩૬.
એ રીત ‘કર્મ જ કર્મને ઇચ્છે’ — કહ્યું છે શ્રુતમાં,
તેથી ન કો પણ જીવ અબ્રહ્મચારી અમ ઉપદેશમાં. ૩૩૭.
વળી જે હણે પરને, હણાયે પરથી, તેહ પ્રકૃતિ છે,
— એ અર્થમાં પરઘાત નામનું નામકર્મ કથાય છે. ૩૩૮.
એ રીત ‘કર્મ જ કર્મને હણતું’ — કહ્યું છે શ્રુતમાં,
તેથી ન કો પણ જીવ છે હણનાર અમ ઉપદેશમાં.’’ ૩૩૯.
એમ સાંખ્યનો ઉપદેશ આવો, જે શ્રમણ પ્રરૂપણ કરે,
તેના મતે પ્રકૃતિ કરે છે, જીવ અકારક સર્વ છે! ૩૪૦.
અથવા તું માને ‘આતમા મારો કરે નિજ આત્મને’,
તો એવું તુજ મંતવ્ય પણ મિથ્યા સ્વભાવ જ તુજ ખરે. ૩૪૧.
જીવ નિત્ય તેમ વળી અસંખ્યપ્રદેશી દર્શિત સમયમાં,
તેનાથી તેને હીન તેમ અધિક કરવો શક્ય ના. ૩૪૨.
વિસ્તારથીય જીવરૂપ જીવનું લોકમાત્ર જ છે ખરે,
શું તેથી તે હીન-અધિક બનતો? કેમ કરતો દ્રવ્યને? ૩૪૩.
માને તું — ‘જ્ઞાયક ભાવ તો જ્ઞાનસ્વભાવે સ્થિત રહે’,
તો એમ પણ આત્મા સ્વયં નિજ આતમાને નહિ કરે. ૩૪૪.
શ્રી સમયસાર-પદ્યાનુવાદ ]
[ ૩૩