શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
૨. જ્ઞેયતત્ત્વ-પ્રજ્ઞાપન
છે અર્થ દ્રવ્યસ્વરૂપ, ગુણ-આત્મક કહ્યાં છે દ્રવ્યને,
વળી દ્રવ્ય-ગુણથી પર્યયો; પર્યાયમૂઢ પરસમય છે. ૯૩.
પર્યાયમાં રત જીવ જે તે ‘પરસમય’ નિર્દિષ્ટ છે;
આત્મસ્વભાવે સ્થિત જે તે ‘સ્વકસમય’ જ્ઞાતવ્ય છે. ૯૪.
છોડ્યા વિના જ સ્વભાવને ઉત્પાદ-વ્યય-ધ્રુવયુક્ત છે,
વળી ગુણ ને પર્યય સહિત જે, ‘દ્રવ્ય’ ભાખ્યું તેહને. ૯૫.
ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશથી, ગુણ ને વિવિધ પર્યાયથી
અસ્તિત્વ દ્રવ્યનું સર્વદા જે, તેહ દ્રવ્યસ્વભાવ છે. ૯૬.
વિધવિધલક્ષણીનું સરવ-ગત ‘સત્ત્વ’ લક્ષણ એક છે,
— એ ધર્મને ઉપદેશતા જિનવરવૃષભ નિર્દિષ્ટ છે. ૯૭.
દ્રવ્યો સ્વભાવે સિદ્ધ ને ‘સત્’ — તત્ત્વતઃ શ્રી જિનો કહે;
એ સિદ્ધ છે આગમ થકી, માને ન તે પરસમય છે. ૯૮.
દ્રવ્યો સ્વભાવ વિષે અવસ્થિત, તેથી ‘સત્’ સૌ દ્રવ્ય છે;
ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશયુત પરિણામ દ્રવ્યસ્વભાવ છે. ૯૯.
ઉત્પાદ ભંગ વિના નહીં, સંહાર સર્ગ વિના નહીં;
ઉત્પાદ તેમ જ ભંગ, ધ્રૌવ્ય-પદાર્થ વિણ વર્તે નહીં. ૧૦૦.
ઉત્પાદ તેમ જ ધ્રૌવ્ય ને સંહાર વર્તે પર્યયે,
ને પર્યયો દ્રવ્યે નિયમથી, સર્વ તેથી દ્રવ્ય છે. ૧૦૧.
ઉત્પાદ-ધ્રૌવ્ય-વિનાશસંજ્ઞિત અર્થ સહ સમવેત છે
એક જ સમયમાં દ્રવ્ય નિશ્ચય, તેથી એ ત્રિક દ્રવ્ય છે. ૧૦૨.
૫૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય