શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
પરિણામ-આત્મક જીવ છે, પરિણામ જ્ઞાનાદિક બને;
તેથી કરમફળ, કર્મ તેમ જ જ્ઞાન આત્મા જાણજે. ૧૨૫.
‘કર્તા, કરમ, ફળ, કરણ જીવ છે’ એમ જો નિશ્ચય કરી
મુનિ અન્યરૂપ નવ પરિણમે, પ્રાપ્તિ કરે શુદ્ધાત્મની. ૧૨૬.
છે દ્રવ્ય જીવ, અજીવ; ચિત-ઉપયોગમય તે જીવ છે;
પુદ્ગલપ્રમુખ જે છે અચેતન દ્રવ્ય, તેહ અજીવ છે. ૧૨૭.
આકાશમાં જે ભાગ ધર્મ-અધર્મ-કાળ સહિત છે,
જીવ-પુદ્ગલોથી યુક્ત છે, તે સર્વકાળે લોક છે. ૧૨૮.
ઉત્પાદ, વ્યય ને ધ્રુવતા જીવપુદ્ગલાત્મક લોકને
પરિણામ દ્વારા, ભેદ વા સંઘાત દ્વારા થાય છે. ૧૨૯.
જે લિંગથી દ્રવ્યો મહીં ‘જીવ’ ‘અજીવ’ એમ જણાય છે,
તે જાણ મૂર્ત-અમૂર્ત ગુણ, અતત્પણાથી વિશિષ્ટ જે. ૧૩૦.
ગુણ મૂર્ત ઇન્દ્રિયગ્રાહ્ય તે પુદ્ગલમયી બહુવિધ છે;
દ્રવ્યો અમૂર્તિક જેહ તેના ગુણ અમૂર્તિક જાણજે. ૧૩૧.
છે વર્ણ તેમ જ ગંધ વળી રસ-સ્પર્શ પુદ્ગલદ્રવ્યને,
— અતિસૂક્ષ્મથી પૃથ્વી સુધી; વળી શબ્દ પુદ્ગલ, વિવિધ જે. ૧૩૨.
અવગાહ ગુણ આકાશનો, ગતિહેતુતા છે ધર્મનો,
વળી સ્થાનકારણતારૂપી ગુણ જાણ દ્રવ્ય અધર્મનો. ૧૩૩.
છે કાળનો ગુણ વર્તના, ઉપયોગ ભાખ્યો જીવમાં,
એ રીત મૂર્તિવિહીનના ગુણ જાણવા સંક્ષેપમાં. ૧૩૪.
જીવદ્રવ્ય, પુદ્ગલકાય, ધર્મ, અધર્મ વળી આકાશને
છે સ્વપ્રદેશ અનેક, નહિ વર્તે પ્રદેશો કાળને. ૧૩૫.
શ્રી પ્રવચનસાર-પદ્યાનુવાદ ]
[ ૫૩