શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે,
તે જીવ છે; પણ પ્રાણ તો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૪૭.
મોહાદિકર્મનિબંધથી સંબંધ પામી પ્રાણનો,
જીવ કર્મફળ-ઉપભોગ કરતાં, બંધ પામે કર્મનો. ૧૪૮.
જીવ મોહ-દ્વેષ વડે કરે બાધા જીવોના પ્રાણને,
તો બંધ જ્ઞાનાવરણ-આદિક કર્મનો તે થાય છે. ૧૪૯.
કર્મે મલિન જીવ ત્યાં લગી પ્રાણો ધરે છે ફરી ફરી,
મમતા શરીરપ્રધાન વિષયે જ્યાં લગી છોડે નહીં. ૧૫૦.
કરી ઇન્દ્રિયાદિક-વિજય, ધ્યાવે આત્મને — ઉપયોગને,
તે કર્મથી રંજિત નહીં; ક્યમ પ્રાણ તેને અનુસરે? ૧૫૧.
અસ્તિત્વનિશ્ચિત અર્થનો કો અન્ય અર્થે ઊપજતો
જે અર્થ તે પર્યાય છે, જ્યાં ભેદ સંસ્થાનાદિનો. ૧૫૨.
તિર્યંચ, નારક, દેવ, નર — એ નામકર્મોદય વડે
છે જીવના પર્યાય, જેહ વિશિષ્ટ સંસ્થાનાદિકે. ૧૫૩.
અસ્તિત્વથી નિષ્પન્ન દ્રવ્યસ્વભાવને ત્રિવિકલ્પને
જે જાણતો, તે આતમા નહિ મોહ પરદ્રવ્યે લહે. ૧૫૪.
છે આતમા ઉપયોગરૂપ, ઉપયોગ દર્શન-જ્ઞાન છે;
ઉપયોગ એ આત્મા તણો શુભ વા અશુભરૂપ હોય છે. ૧૫૫.
ઉપયોગ જો શુભ હોય, સંચય થાય પુણ્ય તણો તહીં,
ને પાપસંચય અશુભથી; જ્યાં ઉભય નહિ, સંચય નહીં. ૧૫૬.
જાણે જિનોને જેહ, શ્રદ્ધે સિદ્ધને, અણગારને,
જે સાનુકંપ જીવો પ્રતિ, ઉપયોગ છે શુભ તેહને. ૧૫૭.
શ્રી પ્રવચનસાર-પદ્યાનુવાદ ]
[ ૫૫