શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
હું પર તણો નહિ, પર ન મારાં, જ્ઞાન કેવળ એક હું
— જે એમ ધ્યાવે, ધ્યાનકાળે તેહ શુદ્ધાત્મા બને. ૧૯૧.
એ રીત દર્શન-જ્ઞાન છે, ઇન્દ્રિય-અતીત મહાર્થ છે,
માનું હું — આલંબન રહિત, જીવ શુદ્ધ, નિશ્ચળ ધ્રુવ છે. ૧૯૨.
લક્ષ્મી, શરીર, સુખદુઃખ અથવા શત્રુમિત્ર જનો અરે!
જીવને નથી કંઈ ધ્રુવ, ધ્રુવ ઉપયોગ-આત્મક જીવ છે. ૧૯૩.
— આ જાણી, શુદ્ધાત્મા બની, ધ્યાવે પરમ નિજ આત્મને,
સાકાર અણ-આકાર હો, તે મોહગ્રંથિ ક્ષય કરે. ૧૯૪.
હણી મોહગ્રંથિ, ક્ષય કરી રાગાદિ, સમસુખદુઃખ જે
જીવ પરિણમે શ્રામણ્યમાં, તે સૌખ્ય અક્ષયને લહે. ૧૯૫.
જે મોહમળ કરી નષ્ટ, વિષયવિરક્ત થઈ, મન રોકીને,
આત્મસ્વભાવે સ્થિત છે, તે આત્મને ધ્યાનાર છે. ૧૯૬.
શા અર્થને ધ્યાવે શ્રમણ, જે નષ્ટઘાતિકર્મ છે,
પ્રત્યક્ષસર્વપદાર્થ ને જ્ઞેયાન્તપ્રાપ્ત, નિઃશંક છે? ૧૯૭.
બાધા રહિત, સકલાત્મમાં સંપૂર્ણસુખજ્ઞાનાઢ્ય જે,
ઇન્દ્રિય-અતીત અનિન્દ્રિ તે ધ્યાવે પરમ આનંદને. ૧૯૮.
શ્રમણો, જિનો, તીર્થંકરો આ રીત સેવી માર્ગને
સિદ્ધિ વર્યા; નમું તેમને, નિર્વાણના તે માર્ગને. ૧૯૯.
એ રીત તેથી આત્મને જ્ઞાયકસ્વભાવી જાણીને,
નિર્મમપણે રહી સ્થિત આ પરિવર્જું છું હું મમત્વને. ૨૦૦.
શ્રી પ્રવચનસાર-પદ્યાનુવાદ ]
[ ૫૯