શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
આગમરહિત જે શ્રમણ તે જાણે ન પરને, આત્મને;
ભિક્ષુ પદાર્થ-અજાણ તે ક્ષય કર્મનો કઇ રીત કરે? ૨૩૩.
મુનિરાજ આગમચક્ષુ ને સૌ ભૂત ઇન્દ્રિયચક્ષુ છે,
છે દેવ અવધિચક્ષુ ને સર્વત્રચક્ષુ સિદ્ધ છે. ૨૩૪.
સૌ ચિત્ર ગુણપર્યાયયુક્ત પદાર્થ આગમસિદ્ધ છે;
તે સર્વને જાણે શ્રમણ એ દેખીને આગમ વડે. ૨૩૫.
દ્રષ્ટિ ન આગમપૂર્વિકા તે જીવને સંયમ નહીં
— એ સૂત્ર કેરું છે વચન; મુનિ કેમ હોય અસંયમી? ૨૩૬.
સિદ્ધિ નહીં આગમ થકી, શ્રદ્ધા ન જો અર્થો તણી;
નિર્વાણ નહિ અર્થો તણી શ્રદ્ધાથી, જો સંયમ નહીં. ૨૩૭.
અજ્ઞાની જે કર્મો ખપાવે લક્ષ કોટિ ભવો વડે,
તે કર્મ જ્ઞાની ત્રિગુપ્ત બસ ઉચ્છ્વાસમાત્રથી ક્ષય કરે. ૨૩૮.
અણુમાત્ર પણ મૂર્છા તણો સદ્ભાવ જો દેહાદિકે,
તો સર્વઆગમધર ભલે પણ નવ લહે સિદ્ધત્વને. ૨૩૯.
જે પંચસમિત, ત્રિગુપ્ત, ઇન્દ્રિનિરોધી, વિજયી કષાયનો,
પરિપૂર્ણ દર્શનજ્ઞાનથી, તે શ્રમણને સંયત કહ્યો. ૨૪૦.
નિંદા-પ્રશંસા, દુઃખ-સુખ, અરિ-બંધુમાં જ્યાં સામ્ય છે,
વળી લોષ્ટ-કનકે, જીવિત-મરણે સામ્ય છે, તે શ્રમણ છે. ૨૪૧.
દ્રગ, જ્ઞાન ને ચારિત્ર ત્રણમાં યુગપદે આરૂઢ જે,
તેને કહ્યો ઐકાગ્ર્યગત, શ્રામણ્ય ત્યાં પરિપૂર્ણ છે. ૨૪૨.
પરદ્રવ્યને આશ્રય શ્રમણ અજ્ઞાની પામે મોહને
વા રાગને વા દ્વેષને, તો વિવિધ બાંધે કર્મને. ૨૪૩.
શ્રી પ્રવચનસાર-પદ્યાનુવાદ ]
[ ૬૩