શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
એ રીત સત્-વ્યય ને અસત્-ઉત્પાદ હોય ન જીવને;
સુરનરપ્રમુખ ગતિનામનો હદયુક્ત કાળ જ હોય છે. ૧૯.
જ્ઞાનાવરણ ઇત્યાદિ ભાવો જીવ સહ અનુબદ્ધ છે;
તેનો કરીને નાશ, પામે જીવ સિદ્ધિ અપૂર્વને. ૨૦.
ગુણપર્યયે સંયુક્ત જીવ સંસરણ કરતો એ રીતે
ઉદ્ભવ, વિલય, વળી ભાવ-વિલય, અભાવ-ઉદ્ભવને કરે. ૨૧.
જીવદ્રવ્ય, પુદ્ગલકાય, નભ ને અસ્તિકાયો શેષ બે
અણકૃતક છે, અસ્તિત્વમય છે, લોકકારણભૂત છે. ૨૨.
સત્તાસ્વભાવી જીવ ને પુદ્ગલ તણા પરિણમનથી
છે સિદ્ધિ જેની, કાળ તે ભાખ્યો જિણંદે નિયમથી. ૨૩.
રસવર્ણપંચક, સ્પર્શ-અષ્ટક, ગંધયુગલ વિહીન છે,
છે મૂર્તિહીન, અગુરુલઘુક છે, કાળ વર્તનલિંગ છે. ૨૪.
જે સમય, નિમિષ, કળા, ઘડી, દિનરાત, માસ, ૠતુ અને
જે અયન ને વર્ષાદિ છે, તે કાળ પર-આયત્ત છે. ૨૫.
‘ચિર’ ‘શીઘ્ર’ નહિ માત્રા વિના, માત્રા નહીં પુદ્ગલ વિના,
તે કારણે પર-આશ્રયે ઉત્પન્ન ભાખ્યો કાળ આ. ૨૬.
છે જીવ, ચેતયિતા, પ્રભુ, ઉપયોગચિહ્ન, અમૂર્ત છે,
કર્તા અને ભોક્તા, શરીરપ્રમાણ, કર્મે યુક્ત છે. ૨૭.
સૌ કર્મમળથી મુક્ત આત્મા પામીને લોકાગ્રને,
સર્વજ્ઞદર્શી તે અનંત અનિંદ્રિ સુખને અનુભવે. ૨૮.
સ્વયમેવ ચેતક સર્વજ્ઞાની-સર્વદર્શી થાય છે,
ને નિજ અમૂર્ત અનંત અવ્યાબાધ સુખને અનુભવે. ૨૯.
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ-પદ્યાનુવાદ ]
[ ૬૯