શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જે ચાર પ્રાણે જીવતો પૂર્વે, જીવે છે, જીવશે,
તે જીવ છે; ને પ્રાણ ઇન્દ્રિય-આયુ-બળ-ઉચ્છ્વાસ છે. ૩૦.
જે અગુરુલઘુક અનંત તે-રૂપ સર્વ જીવો પરિણમે;
સૌના પ્રદેશ અસંખ્ય; કતિપય લોકવ્યાપી હોય છે; ૩૧.
અવ્યાપી છે કતિપય; વળી નિર્દોષ સિદ્ધ જીવો ઘણા;
મિથ્યાત્વ-યોગ-કષાયયુત સંસારી જીવ બહુ જાણવા. ૩૨.
જ્યમ દૂધમાં સ્થિત પદ્મરાગમણિ પ્રકાશે દૂધને,
ત્યમ દેહમાં સ્થિત દેહી દેહપ્રમાણ વ્યાપકતા લહે. ૩૩.
તન તન ધરે જીવ, તન મહીં ઐક્યસ્થ પણ નહિ એક છે,
જીવ વિવિધ અધ્યવસાયયુત, રજમળમલિન થઈને ભમે. ૩૪.
જીવત્વ નહિ ને સર્વથા તદભાવ પણ નહિ જેમને,
તે સિદ્ધ છે — જે દેહવિરહિત વચનવિષયાતીત છે. ૩૫.
ઊપજે નહીં કો કારણે તે સિદ્ધ તેથી ન કાર્ય છે,
ઉપજાવતા નથી કાંઈ પણ તેથી ન કારણ પણ ઠરે. ૩૬.
સદ્ભાવ જો નહિ હોય તો ધ્રુવ, નાશ, ભવ્ય, અભવ્ય ને
વિજ્ઞાન, અણવિજ્ઞાન, શૂન્ય, અશૂન્ય — એ કંઈ નવ ઘટે. ૩૭.
ત્રણવિધ ચેતકભાવથી કો જીવરાશિ ‘કાર્ય’ને,
કો જીવરાશિ ‘કર્મફળ’ને, કોઈ ચેતે ‘જ્ઞાન’ને. ૩૮.
વેદે કરમફળ સ્થાવરો, ત્રસ કાર્યયુત ફળ અનુભવે,
પ્રાણિત્વથી અતિક્રાંત જે તે જીવ વેદે જ્ઞાનને. ૩૯.
છે જ્ઞાન ને દર્શન સહિત ઉપયોગ યુગલ પ્રકારનો;
જીવદ્રવ્યને તે સર્વ કાળ અનન્યરૂપે જાણવો. ૪૦.
૭૦ ]
[ શાસ્ત્ર-સ્વાધ્યાય