શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
મતિ, શ્રુત, અવધિ, મનઃ, કેવળ — પાંચ ભેદો જ્ઞાનના;
કુમતિ, કુશ્રુત, વિભંગ — ત્રણ પણ જ્ઞાન સાથે જોડવાં. ૪૧.
દર્શન તણા ચક્ષુ-અચક્ષુરૂપ, અવધિરૂપ ને
નિઃસીમવિષય અનિધન કેવળરૂપ ભેદ કહેલ છે. ૪૨.
છે જ્ઞાનથી નહિ ભિન્ન જ્ઞાની, જ્ઞાન તોય અનેક છે;
તે કારણે તો વિશ્વરૂપ કહ્યું દરવને જ્ઞાનીએ. ૪૩.
જો દ્રવ્ય ગુણથી અન્ય ને ગુણ અન્ય માનો દ્રવ્યથી,
તો થાય દ્રવ્ય-અનંતતા વા થાય નાસ્તિ દ્રવ્યની. ૪૪.
ગુણ-દ્રવ્યને અવિભક્તરૂપ અનન્યતા બુધમાન્ય છે;
પણ ત્યાં વિભક્ત અનન્યતા વા અન્યતા નહિ માન્ય છે. ૪૫.
વ્યપદેશ ને સંસ્થાન, સંખ્યા, વિષય બહુ યે હોય છે;
તે તેમના અન્યત્વ તેમ અનન્યતામાં પણ ઘટે. ૪૬.
ધનથી ‘ધની’ ને જ્ઞાનથી ‘જ્ઞાની’ — દ્વિધા વ્યપદેશ છે,
તે રીત તત્ત્વજ્ઞો કહે એકત્વ તેમ પૃથક્ત્વને. ૪૭.
જો હોય અર્થાંતરપણું અન્યોન્ય જ્ઞાની-જ્ઞાનને,
બન્ને અચેતનતા લહે — જિનદેવને નહિ માન્ય જે. ૪૮.
રે! જીવ જ્ઞાનવિભિન્ન નહિ સમવાયથી જ્ઞાની બને;
‘અજ્ઞાની’ એવું વચન તે એકત્વની સિદ્ધિ કરે. ૪૯.
સમવર્તિતા સમવાય છે, અપૃથક્ત્વ તે, અયુતત્વ તે;
તે કારણે ભાખી અયુતસિદ્ધિ ગુણો ને દ્રવ્યને. ૫૦.
પરમાણુમાં પ્રરૂપિત વરણ, રસ, ગંધ, તેમ જ સ્પર્શ જે,
અણુથી અભિન્ન રહી વિશેષ વડે પ્રકાશે ભેદને; ૫૧.
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ-પદ્યાનુવાદ ]
[ ૭૧