શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
જ્યમ જગતમાં જળ મીનને અનુગ્રહ કરે છે ગમનમાં,
ત્યમ ધર્મ પણ અનુગ્રહ કરે જીવ-પુદ્ગલોને ગમનમાં. ૮૫.
જ્યમ ધર્મનામક દ્રવ્ય તેમ અધર્મનામક દ્રવ્ય છે;
પણ દ્રવ્ય આ છે પૃથ્વી માફક હેતુ થિતિપરિણમિતને. ૮૬.
ધર્માધરમ હોવાથી લોક-અલોક ને સ્થિતિગતિ બને;
તે ઉભય ભિન્ન-અભિન્ન છે ને સકળલોકપ્રમાણ છે. ૮૭.
ધર્માસ્તિ ગમન કરે નહીં, ન કરાવતો પરદ્રવ્યને;
જીવ-પુદ્ગલોના ગતિપ્રસાર તણો ઉદાસીન હેતુ છે. ૮૮.
રે! જેમને ગતિ હોય છે, તેઓ જ વળી સ્થિર થાય છે;
તે સર્વ નિજ પરિણામથી જ કરે ગતિસ્થિતિભાવને. ૮૯.
જે લોકમાં જીવ-પુદ્ગલોને, શેષ દ્રવ્ય સમસ્તને
અવકાશ દે છે પૂર્ણ, તે આકાશનામક દ્રવ્ય છે. ૯૦.
જીવ-પુદ્ગલાદિક શેષ દ્રવ્ય અનન્ય જાણો લોકથી;
નભ અંતશૂન્ય અનન્ય તેમ જ અન્ય છે એ લોકથી. ૯૧.
અવકાશદાયક આભ ગતિ-સ્થિતિહેતુતા પણ જો ધરે,
તો ઊર્ધ્વગતિપરધાન સિદ્ધો કેમ તેમાં સ્થિતિ લહે? ૯૨.
ભાખી જિનોએ લોકના અગ્રે સ્થિતિ સિદ્ધો તણી,
તે કારણે જાણો — ગતિસ્થિતિ આભમાં હોતી નથી. ૯૩.
નભ હોય જો ગતિહેતુ ને સ્થિતિહેતુ પુદ્ગલ-જીવને,
તો હાનિ થાય અલોકની, લોકાન્ત પામે વૃદ્ધિને. ૯૪.
તેથી ગતિસ્થિતિહેતુઓ ધર્માધરમ છે, નભ નહીં;
ભાખ્યું જિનોએ આમ લોકસ્વભાવના શ્રોતા પ્રતિ. ૯૫.
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ-પદ્યાનુવાદ ]
[ ૭૫