શ્રી દિગંબર જૈન સ્વાધ્યાયમંદિર ટસ્ટ, સોનગઢ -
સંસ્થાન-સંઘાતો, વરણ-રસ-ગંધ-શબ્દ-સ્પર્શ જે,
તે બહુ ગુણો ને પર્યયો પુદ્ગલદરવનિષ્પન્ન છે. ૧૨૬.
જે ચેતનાગુણ, અરસરૂપ, અગંધશબ્દ, અવ્યક્ત છે,
નિર્દિષ્ટ નહિ સંસ્થાન, ઇન્દ્રિયગ્રાહ્ય નહિ, તે જીવ છે. ૧૨૭.
સંસારગત જે જીવ છે પરિણામ તેને થાય છે,
પરિણામથી કર્મો, કરમથી ગમન ગતિમાં થાય છે. ૧૨૮.
ગતિ પ્રાપ્તને તન થાય, તનથી ઇન્દ્રિયો વળી થાય છે,
એનાથી વિષય ગ્રહાય, રાગદ્વેષ તેથી થાય છે. ૧૨૯.
એ રીત ભાવ અનાદિનિધન અનાદિસાંત થયા કરે
સંસારચક્ર વિષે જીવોને — એમ જિનદેવો કહે. ૧૩૦.
છે રાગ, દ્વેષ, વિમોહ, ચિત્તપ્રસાદપરિણતિ જેહને,
તે જીવને શુભ વા અશુભ પરિણામનો સદ્ભાવ છે. ૧૩૧.
શુભ ભાવ જીવના પુણ્ય છે ને અશુભ ભાવો પાપ છે;
તેના નિમિત્તે પૌદ્ગલિક પરિણામ કર્મપણું લહે. ૧૩૨.
છે કર્મનું ફળ વિષય, તેને નિયમથી અક્ષો વડે
જીવ ભોગવે દુઃખે-સુખે, તેથી કરમ તે મૂર્ત છે. ૧૩૩.
મૂરત મૂરત સ્પર્શે અને મૂરત મૂરત બંધન લહે;
આત્મા અમૂરત ને કરમ અન્યોન્ય અવગાહન લહે. ૧૩૪.
છે રાગભાવ પ્રશસ્ત, અનુકંપાસહિત પરિણામ છે,
મનમાં નહીં કાલુષ્ય છે, ત્યાં પુણ્ય-આસ્રવ હોય છે. ૧૩૫.
અર્હંત-સાધુ-સિદ્ધ પ્રત્યે ભક્તિ, ચેષ્ટા ધર્મમાં,
ગુરુઓ તણું અનુગમન — એ પરિણામ રાગ પ્રશસ્તના. ૧૩૬.
શ્રી પંચાસ્તિકાયસંગ્રહ-પદ્યાનુવાદ ]
[ ૭૯