અનિત્યાદિ બાર ભાવનાના તત્ત્વજ્ઞાનપૂર્વક ચિંતવનનું સામાન્યપણે
પ્રયોજન એ છે કે – ધર્મધ્યાનમાં જે પ્રવૃત્તિ કરે છે તેને આ દ્વાદશાનુપ્રેક્ષા
આધારરૂપ છે, અનુપ્રેક્ષાના બળે ધ્યાતાપુરુષ ધર્મધ્યાનમાં સ્થિર રહે છે;
વસ્તુસ્વરૂપમાં જે એકાગ્રચિત્ત થાય છે તે, તેનું વિસ્મરણ થતાં તેનાથી ચલિત
થઈ જાય છે, પરંતુ વારંવાર તેને એકાગ્રતા માટે જો ભાવનાનું આલંબન મળી
જાય તો તે ચલિત નહિ થાય. માટે આત્મહિતના ઇચ્છુક જીવોએ આ બાર
ભાવના ભાવવી જોઈએ.
પ્રત્યેક ભાવનાનું વ્યવહાર-નિશ્ચય ચિંતવન નિમ્ન પ્રકારે મોક્ષેચ્છુ ભવ્ય
જીવોએ કરવું જોઈએ.
અધ્રુવ-અનુપ્રેક્ષાઃઉત્તમ ભવન, સવારી, વાહન, શયન, આસન, દેવ,
મનુષ્ય, રાજા, માતા, પિતા, કુટુંબી અને સેવક આદિ બધાય સંયોગો અનિત્ય
અર્થાત્ છૂટા પડી જનાર છે. બધા પ્રકારની સામગ્રી — પરિગ્રહ, ઇન્દ્રિયો, રૂપ,
નીરોગતા, યૌવન, બળ, તેજ, સૌભાગ્ય અને સૌંદર્ય વગેરે બધુંય મેઘધનુષની
જેમ નશ્વર છે. અહમિંદ્રનાં પદ, ચક્રવર્તી અને બળદેવ આદિની પર્યાયો —
પાણીના પરપોટા, ઇન્દ્રધનુષ, વિજળી અને વાદળાંની શોભા સમાન – ક્ષણભંગુર
છે. જ્યાં, દૂધ અને પાણીની જેમ જીવો સાથે નિબદ્ધ, દેહ પણ શીઘ્ર નષ્ટ
થઈ જાય છે ત્યાં ભોગોપભોગનાં સાધનભૂત પૃથક્વર્તી પદાર્થો — સ્ત્રી આદિ
પરિકરનો સંયોગ શાશ્વત કેમ હોઈ શકે? ન જ હોઈ શકે. અધ્રુવભાવનાનું
નિશ્ચયથી ચિંતન આ પ્રમાણે કરવું કે – પરમાર્થથી જ્ઞાનાનંદસ્વરૂપ આત્મા દેવ,
અસુર અને નરેન્દ્રના વૈભવોથી ને શરીરાદિ પરપદાર્થોથી તદ્દન ભિન્ન
ત્રિકાળશુદ્ધ તેમ જ શાશ્વત પરમ પદાર્થ છે. તત્ત્વજ્ઞાનપૂર્વક તેનું અનુપ્રેક્ષણ
કરવાથી શાશ્વત સિદ્ધગતિ પ્રાપ્ત થાય છે.
અશરણ-અનુપ્રેક્ષાઃમરણ સમયે ત્રણે લોકમાં જીવને મરણથી
બચાવનાર કોઈ નથી. મણિ, મંત્ર, ઔષધ, રક્ષક સામગ્રી, હાથી, ઘોડા, રથ
અને સમસ્ત વિદ્યાઓ વગેરે કોઈ શરણ આપનાર નથી. સ્વર્ગ જેનો કિલ્લો
છે, દેવો સેવક છે, વજ્ર શસ્ત્ર છે અને ઐરાવત ગજરાજ છે એવા ઇન્દ્રને
પણ કોઈ શરણ નથી — તેને પણ મૃત્યુથી બચાવનાર કોઈ નથી. નવ નિધિ,
ચૌદ રત્ન, ઘોડા, મત્ત ગજેન્દ્રો અને ચતુરંગિણી સેના વગેરે કાંઈ પણ ચક્રવર્તીને
શરણરૂપ નથી, જોતજોતામાં કાળ તેને કોળિયો કરી જાય છે. તો પછી જીવને
[ ૮ ]