Swami Kartikeyanupreksha (Gujarati).

< Previous Page   Next Page >


PDF/HTML Page 9 of 321

 

background image
બાર અનુપ્રેક્ષાઓમાં પ્રત્યેક અનુપ્રેક્ષા દ્રવ્ય-અનુપ્રેક્ષા અને ભાવ-અનુપ્રેક્ષાના
ભેદથી બે પ્રકારે છે. સાધકભાવરૂપ શુદ્ધપરિણતિમય અંતરંગ વિરક્તિની પુષ્ટિ
અર્થે ભવ-તન-ભોગનાં અધ્રુવ, અશરણ અને અશુચિપણાનું તેમ જ સંસાર વગેરેનું
વિકલ્પયુક્ત ચિંતન તે દ્રવ્ય-અનુપ્રેક્ષા છે અને વિકલ્પયુક્ત ચિંતન સાથે જ્ઞાનીને
અંતરમાં જ્ઞાનાનંદસ્વભાવી આત્માના અવલંબને વર્તતી જે વિકલ્પાતીત વીતરાગ
શુદ્ધ પરિણતિ તે ભાવ-અનુપ્રેક્ષા છે. આ શુદ્ધ પરિણતિમય ભાવ-અનુપ્રેક્ષા જ
સાધક જીવને સંવર-નિર્જરાનું કારણ છે; વિકલ્પયુક્ત ચિંતનમય દ્રવ્ય-અનુપ્રેક્ષા
તો શુભ રાગ છે; તે તો આસ્રવ-બંધનું કારણ છે, સંવર-નિર્જરાનું નહિ. સાધક
જીવને જેટલે અંશે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમય શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ છે
તેટલે અંશે તેને આસ્રવ
બંધ થતો નથી, પરંતુ જેટલે અંશે શુભાશુભ રાગ
છે તેટલે અંશે તેને નિયમથી આસ્રવ-બંધ થાય છે. જ્ઞાનીને અંતરંગ શુદ્ધ પરિણતિ
સાથે વર્તતા ‘અનિત્ય’ આદિ ચિંતનના શુભ રાગને વ્યવહારે ‘અનુપ્રેક્ષા’ કહેવાય
છે, પરંતુ ‘અનુપ્રેક્ષા’ તો સંવરનું કારણ હોવાથી, તે શુભરાગયુક્ત ચિંતન પરમાર્થે
‘અનુપ્રેક્ષા’ નથી, ‘અનિત્ય’ આદિના ચિંતનકાળે વર્તતી અંતરંગ શુદ્ધ પરિણતિ
જ નિશ્ચય-અનુપ્રેક્ષા છે.
બાર અનુપ્રેક્ષાનું માહાત્મ્ય તેમ જ ફળ અચિંત્ય છે. અનાદિ કાળથી
આજ સુધી જે કોઈ ભવ્ય જીવો પૂર્ણાનંદમય મુક્તદશાને પામ્યા છે તે બધા
આ અનિત્ય આદિ બાર ભાવનાઓનું
એક, અનેક અથવા બધીયનુંતત્ત્વતઃ
અંતરંગ શુદ્ધિયુક્ત ચિંતન કે ધ્યાન કરીને જ પામ્યા છે. વિશેષ કહેવાની
આવશ્યકતા નથી, એટલું જ કહેવું પર્યાપ્ત છે કે જે ભૂતકાલમાં તીર્થંકરો,
ચક્રવર્તીઓ, બળદેવો, ગણધરો વગેરે શ્રેષ્ઠ પુરુષો સિદ્ધિને વર્યા અને જેઓ
ભવિષ્યમાં વરશે તે બધું આ ભાવનાઓના તાત્ત્વિક શુદ્ધિયુક્ત ચિંતવનનું જ
અચિંત્ય ફળ છે. ખરેખર, એ બધું જ્ઞાનવૈરાગ્યવર્ધક ભાવનાઓનું જ માહાત્મ્ય
છે. આ બાર ભાવનાઓના ચિંતનનો નિરંતર અભ્યાસ કરવાથી આત્માર્થી જીવોનાં
હૃદયમાં રહેલો કષાયરૂપ અગ્નિ બુઝાઈ જાય છે, પરદ્રવ્યો પ્રત્યેનો રાગભાવ
ક્ષીણ થઈ જાય છે અને અજ્ઞાનરૂપ અંધકારનો વિલય થઈને જ્ઞાનરૂપ દીપકનો
પ્રકાશ થાય છે. માટે મોક્ષેચ્છુ આત્માએ બાર ભાવનાઓનું તાત્ત્વિક ચિંતવન
નિરંતર કરવું જોઈએ, કેમકે અંતરંગ શુદ્ધિયુક્ત આ બાર ભાવના સમસ્ત વિભાવો
તેમ જ કર્મોના ક્ષયનું કારણ થાય છે.
[ ૭ ]