ઉપોદ્ઘાત
‘દ્વાદશ અનુપ્રેક્ષા’ અર્થાત્ ‘બાર ભાવના’ વીતરાગ જૈનધર્મમાં આધ્યાત્મિક
સાધનાનું એક મહત્ત્વપૂર્ણ ઉત્તમ અંગ છે. જિનાગમમાં તેનો, ‘स
गुप्तिसमितिधर्मानुप्रेक्षापरीषहजयचारित्रैः ।’ — એ રીતે, સંવરના ઉપાયમાં અંતર્ભાવ
કરવામાં આવ્યો છે. તેની એક મહત્ત્વપૂર્ણ વિશેષતા એ છે કે – અઢી દ્વીપની, —
પાંચ ભરત, પાંચ ઐરાવત અને પાંચ વિદેહ — એ પંદરેય કર્મભૂમિમાં થનારા
ત્રણે કાળના સર્વ તીર્થંકરો, ગૃહસ્થદશામાં નિરપવાદ નિયમથી, આ ‘બાર
ભાવના’ના ચિંતવનપૂર્વક જ વૈરાગ્યની સાતિશય વૃદ્ધિ પામીને, લૌકાંતિક દેવો
દ્વારા નિયોગજનિત અનુમોદના થતાં, સ્વયં દીક્ષિત થાય છે.
અનુપ્રેક્ષા એટલે ભાવના, ચિંતવન, મનોગત અભ્યાસ, પરિશીલન,
વૈરાગ્યભાવના, સંસાર, શરીર તેમ જ ભોગ વગેરેના અનિત્ય, અશરણ,
અશુચિ આદિ સ્વભાવનું — અંતરમાં નિત્ય, શરણ અને પરમ શુચિસ્વરૂપ નિજ
ત્રિકાળશુદ્ધ જ્ઞાયક આત્માના લક્ષ તેમ જ સાધના સહિત – સંવેગ તેમ જ વૈરાગ્ય
અર્થે ફરી ફરી ચિંતવન કરવું તે અનુપ્રેક્ષા છે. (૧) અનિત્ય-અનુપ્રેક્ષા, (૨)
અશરણ-અનુપ્રેક્ષા, (૩) સંસાર-અનુપ્રેક્ષા, (૪) એકત્વ-અનુપ્રેક્ષા, (૫) અન્યત્વ-
અનુપ્રેક્ષા, (૬) અશુચિત્વ-અનુપ્રેક્ષા, (૭) આસ્રવ-અનુપ્રેક્ષા, (૮) સંવર-
અનુપ્રેક્ષા, (૯) નિર્જરા-અનુપ્રેક્ષા, (૧૦) લોક-અનુપ્રેક્ષા, (૧૧) બોધિદુર્લભ-
અનુપ્રેક્ષા, અને ધર્મ-અનુપ્રેક્ષા — એ પ્રમાણે અનુપ્રેક્ષાના બાર ભેદ છે. આ
બારેયના સ્વરૂપનું, ભવદુઃખશામક જ્ઞાનવૈરાગ્યની વૃદ્ધિ અર્થે, વારંવાર
અનુચિંતન અવશ્ય કર્તવ્ય છે.
‘અનુપ્રેક્ષા’ વિષે પ્રાચીન આચાર્યોએ તેમ જ મધ્યકાલીન વિદ્વાનોએ પણ
ઘણું લખ્યું છે. વીતરાગ દિગંબર સંતો, ભગવાન શ્રી કુંદકુંદાચાર્યદેવે તેમ જ
મુનિવર શ્રી કાર્તિકેયસ્વામીએ (અપરનામ ‘સ્વામી કુમારે’) તો આ વિષય ઉપર
સ્વતંત્ર ગ્રંથો લખ્યા છે. શ્રી કુંદકુંદાચાર્યદેવની કૃતિ ‘બારસ-અણુવેક્ખા’ અને
શ્રી કાર્તિકેય મુનિવરની કૃતિ ‘સ્વામિકાર્તિકેયાનુપ્રેક્ષા’ નામથી પ્રસિદ્ધ છે. તે બંને
અનુપ્રેક્ષા-ગ્રંથોની અનેક આવૃત્તિઓ મુદ્રિત થઈને પ્રકાશિત થઈ ગઈ છે.
[ ૬]