લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — જીવદ્રવ્ય ઉત્તમ ગુણોનું ધામ છે — જ્ઞાનાદિ ઉત્તમ ગુણો એમાં જ છે, સર્વ દ્રવ્યોમાં એક આ જ દ્રવ્ય પ્રધાન છે. કારણ કે, સર્વ દ્રવ્યોને જીવ જ પ્રકાશે છે, સર્વ તત્ત્વોમાં પરમતત્ત્વ જીવ જ છે અને અનંતજ્ઞાન-સુખાદિનો ભોક્તા પણ જીવ જ છે — એમ હે ભવ્ય! તું નિશ્ચયથી જાણ.
હવે જીવને જ ઉત્તમ તત્ત્વપણું શાથી છે? તે કહે છેઃ —
અર્થઃ — જીવ છે તે અંતસ્તત્ત્વ છે તથા બાકીનાં બધાંય દ્રવ્યો બાહ્યતત્ત્વ છે — જ્ઞાનાદિ રહિત છે, અને જ્ઞાનરહિત જે દ્રવ્ય છે તે હિત -અહિત અર્થાત્ હેય-ઉપાદેય વસ્તુને કેમ જાણે?
ભાવાર્થઃ — જીવતત્ત્વ વિના બધું શૂન્ય છે માટે સર્વને જાણવાવાળો તથા હિત-અહિતને એટલે કે હેય-ઉપાદેયને સમજવાવાળો એક જીવ જ પરમ તત્ત્વ છે.
હવે પુદ્ગલદ્રવ્યનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — સર્વ લોકાકાશ સૂક્ષ્મ-બાદર પુદ્ગલદ્રવ્યોથી સર્વ પ્રદેશોમાં ભરેલું છે. કેવાં છે તે પુદ્ગલદ્રવ્યો? નાના પ્રકારની શક્તિઓ સહિત છે.