લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — જ્ઞાન છે તે જ્ઞેયમાં જતું નથી તથા જ્ઞેય પણ જ્ઞાનના પ્રદેશોમાં આવતાં નથી; પોતપોતાના પ્રદેશોમાં રહે છે, તો પણ જ્ઞાન તથા જ્ઞેયમાં જ્ઞેય-જ્ઞાયક વ્યવહાર છે.
ભાવાર્થઃ — જેમ દર્પણ પોતાના ઠેકાણે છે અને ઘટાદિક વસ્તુ પોતાના ઠેકાણે છે, છતાં દર્પણની સ્વચ્છતા એવી છે કે જાણે ઘટ દર્પણમાં આવીને જ બેઠો હોય! એ જ પ્રમાણે જ્ઞાન-જ્ઞેયનો વ્યવહાર જાણવો.
હવે મનઃપર્યય-અવધિજ્ઞાન તથા મતિ-શ્રુતજ્ઞાનનું સામર્થ્ય કહે છેઃ —
અર્થઃ — મનઃપર્યયજ્ઞાન તથા અવધિજ્ઞાન એ બંને તો દેશપ્રત્યક્ષ છે; મતિજ્ઞાન છે તે વિશદ એટલે પ્રત્યક્ષ પણ છે તથા પરોક્ષ પણ છે, તથા શ્રુતજ્ઞાન છે તે પરોક્ષ જ છે.
ભાવાર્થઃ — મનઃપર્યયજ્ઞાન – અવધિજ્ઞાન છે તે એકદેશપ્રત્યક્ષ છે, કારણ કે જેટલો પોતાનો વિષય છે તેટલાને તો વિશદ – સ્પષ્ટ જાણે છે; સર્વને જાણતું નથી માટે તેને એકદેશ કહીએ છીએ. મતિજ્ઞાન છે તે ઇન્દ્રિય-મનથી ઊપજે છે માટે વ્યવહારથી ઇન્દ્રિયના સંબંધથી તેને વિશદ પણ કહીએ છીએ; એ પ્રમાણે તે પ્રત્યક્ષ પણ છે; પરંતુ પરમાર્થથી તો તે પરોક્ષ જ છે. તથા શ્રુતજ્ઞાન છે તે પરોક્ષ જ છે, કારણ કે તે વિશદ – સ્પષ્ટ જાણતું નથી.
હવે ઇન્દ્રિયજ્ઞાન યોગ્ય વિષયને જાણે છે એમ કહે છેઃ —