૧૪૦ ]
નય વસ્તુને સાધતો નથી. એટલા માટે અપેક્ષાથી વસ્તુ અનેકાન્ત પણ છે, એમ જાણવું એ જ સમ્યક્જ્ઞાન છે.
હવે ‘શ્રુતજ્ઞાન પરોક્ષપણે સર્વ વસ્તુને પ્રકાશે છે’ એમ કહે છેઃ —
અર્થઃ — જે જ્ઞાન સર્વ વસ્તુને અનેકાન્તસ્વરૂપ પરોક્ષરૂપે પ્રકાશે – જાણે – કહે તે શ્રુતજ્ઞાન છે. તે શ્રુતજ્ઞાન સંશય, વિપરીતતા અને અનધ્યવસાયથી રહિત છે એમ સિદ્ધાન્તમાં કહ્યું છે.
ભાવાર્થઃ — જે સર્વ વસ્તુને અનેકાન્તરૂપ પરોક્ષરૂપે પ્રકાશે તે શ્રુતજ્ઞાન છે. શાસ્ત્રનાં વચન સાંભળવાથી અર્થને જાણે તે પરોક્ષ જ જાણે છે; તથા શાસ્ત્રમાં બધીય વસ્તુનું સ્વરૂપ અનેકાન્તાત્મક કહ્યું છે એમ સર્વ વસ્તુને જાણે વા ગુરુજનોના ઉપદેશપૂર્વક જાણે તો સંશયાદિક પણ રહે નહિ.
હવે શ્રુતજ્ઞાનના વિકલ્પ (ભેદ) છે તે નય છે. તેમનું સ્વરૂપ કહે છેઃ —
અર્થઃ — વસ્તુના એક ધર્મની વિવક્ષાથી જે લોકોના વ્યવહારને સાધે તે નય છે અને તે શ્રુતજ્ઞાનનો વિકલ્પ (ભેદ) છે. વળી તે, લિંગ (ચિહ્ન)થી ઊપજ્યો છે.