લોકાનુપ્રેક્ષા ]
ભાવાર્થઃ — વસ્તુના એક ધર્મની વિવક્ષા લઈ જે લોકવ્યવહારને સાધે તે શ્રુતજ્ઞાનનો અંશ નય છે, અને તે સાધ્યધર્મને હેતુપૂર્વક સાધે છે. જેમ વસ્તુના ‘સત્’ ધર્મને ગ્રહણ કરી તેને હેતુથી સાધવામાં આવે કે ‘પોતાનાં દ્રવ્ય-ક્ષેત્ર-કાળ-ભાવથી વસ્તુ સત્રૂપ છે’. એ પ્રમાણે નય, હેતુથી ઉપજે છે.
હવે, એક ધર્મને નય કેવી રીતે ગ્રહણ કરે છે તે કહે છેઃ —
અર્થઃ — પદાર્થ નાના ધર્મથી યુક્ત છે તોપણ તેને કોઈ એક ધર્મરૂપ કહેવામાં આવે છે, કારણ કે એક ધર્મની જ્યાં વિવક્ષા કરવામાં આવે ત્યાં તે જ ધર્મને કહેવામાં આવે છે પણ બાકીના સર્વ ધર્મની વિવક્ષા કરવામાં આવતી નથી.
ભાવાર્થઃ — જેમ જીવવસ્તુમાં અસ્તિત્વ, નાસ્તિત્વ, નિત્યત્વ, અનિત્યત્વ, એકત્વ, અનેકત્વ, ચેતનત્વ, અમૂર્તત્વ આદિ અનેક ધર્મ છે; તે બધામાંથી કોઈ એક ધર્મની વિવક્ષાથી કહેવામાં આવે કે ‘જીવ ચેતનસ્વરૂપ જ છે’ ઇત્યાદિ. ત્યાં અન્ય ધર્મની વિવક્ષા નથી કરી પણ તેથી એમ ન જાણવું કે અન્ય ધર્મોનો અભાવ છે. પરંતુ અહીં તો પ્રયોજનના આશ્રયથી તેના કોઈ એક ધર્મને મુખ્ય કરી કહે છે – અન્યની અહીં વિવક્ષા નથી (એમ સમજવું).
હવે વસ્તુના ધર્મને, તેના વાચક શબ્દને તથા તેના જ્ઞાનને નય કહે છેઃ —