લોકાનુપ્રેક્ષા ]
દ્રવ્યો ભેદરૂપ છે. સંગ્રહનય પુદ્ગલસામાન્યને ગ્રહણ કરે છે, ત્યાં વ્યવહારનય અણુ-સ્કંધ-ઘટ-પટાદિ ભેદરૂપ કહે છે. એ પ્રમાણે જેને સંગ્રહનય ગ્રહણ કરે તેમાં વ્યવહારનય ભેદ કરતો જાય છે અને તે ત્યાં સુધી કે ફરી બીજો ભેદ થઈ શકે નહિ, ત્યાં સુધી સંગ્રહ – વ્યવહારનયનો વિષય છે. એ પ્રમાણે દ્રવ્યાર્થિકનયના ત્રણ ભેદ કહ્યા.
હવે પર્યાયાર્થિકનયના ભેદ કહે છે. ત્યાં પ્રથમ ૠજુસૂત્રનય કહે છેઃ —
અર્થઃ — વર્તમાનકાળમાં અર્થપર્યાયરૂપ પરિણમેલા અર્થને સર્વને સત્રૂપ સાધે (ગ્રહણ કરે) તે ૠજુસૂત્રનય છે.
ભાવાર્થઃ — વસ્તુ સમયે સમયે પરિણમે છે. વર્તમાન એક સમયની પર્યાયને અર્થપર્યાય કહે છે અને તે ૠજુસૂત્રનયનો વિષય છે; તે વસ્તુને પર્યાયમાત્ર જ કહે છે. વળી ઘડી, મુહૂર્ત આદિ કાળને પણ વ્યવહારમાં વર્તમાન કહીએ છીએ. તે વર્તમાનકાળસ્થાયી પર્યાયને પણ ૠજુસૂત્રનય સાધે છે તેથી તેની સ્થૂલ ૠજુસૂત્ર સંજ્ઞા છે. એ પ્રમાણે પ્રથમ કહેલા દ્રવ્યાર્થિક ત્રણ નય અને એક આ ૠજુસૂત્રનય મળી ચારે નયોને અર્થનય કહેવામાં આવે છે.
હવે ત્રણ પ્રકારના શબ્દનયો કહે છે. ત્યાં પહેલાં શબ્દનય કહે છેઃ —