૧૪૮ ]
અર્થઃ — જે નય સર્વ વસ્તુઓના, સંખ્યા-લિંગ આદિ ઘણા પ્રકારે, નાનાપણાને સાધે તેને શબ્દનય જાણો.
ભાવાર્થઃ — સંખ્યા — એકવચન-દ્વિવચન-બહુવચન, લિંગ – સ્ત્રી -પુરુષ-નપુંસકદર્શક વચન, આદિ શબ્દથી કાળ, કારક, પુરુષ, ઉપસર્ગ લેવો. એ વડે વ્યાકરણના પ્રયોજિત પદાર્થને ભેદરૂપથી કહે તે શબ્દનય છે. જેમ કે — પુષ્ય-તારકા-નક્ષત્રરૂપ એક જ્યોતિષીના વિમાનના ત્રણે લિંગ કહે, ત્યાં વ્યવહારમાં તો વિરોધ જણાય છે, કારણ કે એ જ પુરુષ, એ જ સ્ત્રી – નપુંસક શી રીતે હોય? તો પણ શબ્દનયનો આ જ વિષય છે કે જેવો શબ્દ કહે તેવો જ અર્થને ભેદરૂપ માનવો.
હવે સમભિરૂઢનયને કહે છેઃ —
અર્થઃ — જે નય વસ્તુને પરિણામના ભેદથી એક એક જુદા જુદા ભેદરૂપ સાધે અથવા તેમાંના મુખ્ય અર્થને ગ્રહણ કરી સાધે તેને સમભિરૂઢનય જાણવો.
ભાવાર્થઃ — શબ્દનય વસ્તુના પર્યાયનામથી ભેદ કરતો નથી, ત્યારે આ સમભિરૂઢનય છે તે એક વસ્તુનાં પર્યાયનામ છે તેને ભેદરૂપ જુદા જુદા પદાર્થપણે ગ્રહણ કરે છે; ત્યાં જેને મુખ્ય કરી પકડે તેને સદા તેવો જ કહે છે. જેમ – ‘ગૌ’ શબ્દના ઘણા અર્થ છે તથા ‘ગૌ’ પદાર્થના ઘણાં નામ છે તેને આ નય જુદા જુદા પદાર્થ માને છે. તેમાંથી મુખ્યપણે ‘ગૌ’ પદાર્થ પકડ્યો તેને ચાલતાં-બેસતાં-સૂતાં ‘ગૌ’ જ કહ્યા કરે છે તે સમભિરૂઢનય છે.
હવે એવંભૂતનય કહે છેઃ —