લોકાનુપ્રેક્ષા ]
અર્થઃ — વસ્તુ જે કાળે જે સ્વભાવે પરિણમનરૂપ હોય છે તે કાળે તે પરિણામથી તન્મય હોય છે; તેથી તે જ પરિણામરૂપ (વસ્તુને) સાધે – કહે તે એવંભૂતનય છે. આ નય પરમાર્થરૂપ છે.
ભાવાર્થઃ — જે ધર્મની મુખ્યતાથી વસ્તુનું જે નામ હોય તે જ અર્થના પરિણમનરૂપ જે કાળે (વસ્તુ) પરિણમે તેને તે જ નામથી કહે તે એવંભૂતનય છે, તેને નિશ્ચય (નય) પણ કહેવામાં આવે છે. જેમ ‘ગૌ’ને ચાલે ત્યારે જ ગાય કહે પણ અન્ય કાળે ન કહે.
હવે નયોના કથનને સંકોચે છેઃ —
અર્થઃ — જે પુરુષ આ પ્રમાણે નયોથી વસ્તુને વ્યવહારરૂપ કહે છે – સાધે છે – પ્રવર્તાવે છે તે પુરુષ દર્શન-જ્ઞાન-ચારિત્રને સાધે છે તથા સ્વર્ગ-મોક્ષને સાધે છે.
ભાવાર્થઃ — પ્રમાણ-નયથી વસ્તુનું સ્વરૂપ યથાર્થ સધાય છે. જે પુરુષ પ્રમાણ-નયોનું સ્વરૂપ જાણી વસ્તુને યથાર્થ વ્યવહારરૂપ પ્રવર્તાવે છે તેને સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની તથા તેના ફળરૂપ સ્વર્ગ-મોક્ષની સિદ્ધિ થાય છે.
હવે કહે છે કે તત્ત્વાર્થનું શ્રવણ, જ્ઞાન, ધારણ અને ભાવના કરવાવાળા વિરલા છેઃ —