૧૫૨ ]
અર્થઃ — જે પુરુષ ઉપશમ કરી એક સ્વભાવરૂપ થયો થકો આ પ્રમાણે લોકસ્વરૂપને ધ્યાવે છે – ચિંતવન કરે છે તે પુરુષ ક્ષપિત – નાશ કર્યો છે. કર્મપુંજ જેણે એવો, એ લોકનો જ શિખામણિ (ચૂડામણિ) થાય છે.
ભાવાર્થઃ — એ પ્રમાણે (જે પુરુષ) સામ્યભાવ કરી લોકાનુપ્રેક્ષાનું ચિંતવન કરે છે તે પુરુષ કર્મનો નાશ કરી લોકના શિખરે જઈ વિરાજમાન થાય છે. અને ત્યાં અનંત, અનુપમ, બાધારહિત, સ્વાધીન, જ્ઞાનાનંદસ્વરૂપ સુખને અનુભવે છે. અહીં લોકભાવનાનું કથન વિસ્તારપૂર્વક કરવાનો આશય એવો છે કે અન્યમતી લોકનું સ્વરૂપ, જીવનું સ્વરૂપ તથા હિતાહિતનું સ્વરૂપ અનેક પ્રકારથી અન્યથા, અસત્યાર્થ અને પ્રમાણવિરુદ્ધ કહે છે. તેને સાંભળી કોઈ જીવ તો વિપરીત શ્રદ્ધાન કરે છે, કોઈ સંશયરૂપ થાય છે તથા કોઈ અનધ્યવસાયરૂપ થાય છે. અને એવા વિપરીતાદિ શ્રદ્ધાનથી ચિત્ત સ્થિરતા પામતું નથી, ચિત્ત સ્થિર થયા વિના યથાર્થ ધ્યાનની સિદ્ધિ થતી નથી અને ધ્યાન વિના કર્મોનો નાશ થતો નથી. તેથી એ વિપરીતાદિ શ્રદ્ધાન દૂર થવા માટે લોકનું અને જીવાદિ પદાર્થોનું યથાર્થ સ્વરૂપ જાણવા અર્થે અહીં વિસ્તારપૂર્વક કથન કર્યું છે. તેને જાણી જીવાદિનું સ્વરૂપ ઓળખી પોતાના સ્વરૂપમાં ચિત્તને નિશ્ચલ સ્થિર કરી, કર્મકલંક નાશ કરી, ભવ્યજીવ મોક્ષને પ્રાપ્ત થાઓ! એવો શ્રીગુરુઓનો ઉપદેશ છે.
રાગવિરોધ વિડારીને, આતમરૂપ સંભાળ.
આતમરૂપ સંભાળ, મોક્ષપુર વસો સદાહી;
આધિવ્યાધિજરમરણ, આદિ દુઃખ હ્વૈ ન કદા હી.
શ્રીગુરુ શિક્ષા ધારી, ટાળી અભિમાન કુશોક;
મનસ્થિર કારણ આ વિચાર, ‘નિજરૂપ સુલોક’.