૧૭૨ ]
અર્થઃ — જોકે અવિરતસમ્યગ્દ્રષ્ટિ ઇન્દ્રિયવિષયોમાં આસક્ત છે, ત્રસ – સ્થાવરજીવોનો ઘાત જેમાં થાય એવા સર્વ આરંભમાં વર્તી રહ્યો છે, તથા અપ્રત્યાખ્યાનાવરણાદિ કષાયોના તીવ્ર ઉદયોથી વિરક્ત થયો નથી તો પણ તે એમ જાણે છે કે આ મોહકર્મના ઉદયનો વિલાસ છે, મારા સ્વભાવમાં તે નથી, ઉપાધિ છે – રોગવત્ છે – તજવા યોગ્ય છે. વર્તમાન કષાયોની પીડા સહન થતી નથી તેથી અસમર્થ બની આ વિષયોનું સેવન તથા ઘણા આરંભમાં પ્રવર્તવું થાય છે એમ તે માને છે.૧
અર્થઃ — જે ઇન્દ્રિયોના વિષયોથી તથા ત્રસ-સ્થાવરજીવોની હિંસાથી વિરક્ત નથી, પરંતુ જિનેન્દ્રદેવ દ્વારા કથિત પ્રવચનનું શ્રદ્ધાન કરે છે તે અવિરતસમ્યગ્દ્રષ્ટિ છે. સંયમ બે પ્રકારનો છેઃ એક ઇન્દ્રિયસંયમ તથા બીજો પ્રાણસંયમ. ઇન્દ્રિય – વિષયોથી વિરક્ત થવાને ઇન્દ્રિયસંયમ કહે છે તથા સ્વપરજીવના પ્રાણોની રક્ષાને પ્રાણસંયમ કહે છે. આ (ચોથા) ગુણસ્થાનમાં એ બંને સંયમોમાંથી કોઈ પણ સંયમ હોતો નથી તેથી તેને અવિરતસમ્યગ્દ્રષ્ટિ કહે છે. હા, એટલું ખરું કે – પ્રયોજન વિના કોઈ પણ હિંસામાં તે પ્રવૃત્ત પણ થતો નથી.
અર્થઃ — ચૌદ પ્રકારના જીવસમાસમાં અને અઠ્ઠાવીસ પ્રકારના ઇન્દ્રિય -વિષયોમાં જે વિરક્ત ન થવું તેને અસંયમ કહે છે. (ગા૦ ૪૭૭). પાંચ રસ, પાંચ વર્ણ, બે ગંધ, આઠ સ્પર્શ, સાત સ્વર અને એક મન એ ઇન્દ્રિયોના અઠ્ઠાવીસ વિષય છે. (જુઓ – ગો૦ જી૦ ગા૦ ૪૭૮)