૧૭૪ ]
અર્થઃ — જે જીવ દોષરહિતને દેવ માને છે, સર્વ જીવોની દયાને શ્રેષ્ઠ ધર્મ માને છે તથા નિર્ગ્રન્થગુરુને ગુરુ માને છે તે પ્રગટપણે સમ્યગ્દ્રષ્ટિ છે.
ભાવાર્થઃ — સર્વજ્ઞ વીતરાગ અઢાર દોષોથી રહિત દેવને દેવ માને છે, પણ અન્ય દોષરહિત દેવ છે તેને ‘આ સંસારી છે, પણ મોક્ષમાર્ગી નથી’ એમ જાણી વંદતો – પૂજતો નથી, અહિંસામય ધર્મને ધર્મ જાણે છે. વળી દેવતાઓને અર્થે યજ્ઞાદિમાં પશુને ઘાત કરી ચઢાવવામાં (લોકો) ધર્મ માને છે પણ તેમાં પાપ જ જાણી પોતે તેમાં પ્રવર્તતો નથી તથા ગ્રંથી (બાહ્ય – અંતરંગ પરિગ્રહની મૂર્છા – પકડ) સહિત અનેક અન્યમતી વેષધારીઓ છે વા કાળદોષથી જૈનમતમાં પણ વેષધારી નિપજ્યા છે તે સર્વને વેષધારી – પાખંડી જાણે પણ તેને વંદે – પૂજે નહિ, પરંતુ સર્વપરિગ્રહરહિત હોય તેમને જ ગુરુ માની વંદન – પૂજન કરે; કારણ કે દેવ-ગુરુ-ધર્મના આશ્રયથી તો મિથ્યા કે સમ્યક્ ઉપદેશ પ્રવર્તે છે. એ કુદેવ -કુગુરુ-કુધર્મનું વંદન – પૂજન તો દૂર રહો તેના સંસર્ગમાત્રથી પણ શ્રદ્ધાન બગડી જાય છે માટે સમ્યગ્દ્રષ્ટિ તો તેઓની સંગતિ પણ કરતો નથી. સ્વામી સમંતભદ્રઆચાર્યે રત્નકરંડશ્રાવકાચારમાં એમ કહ્યું છે કે – ભયથી, આશાથી, સ્નેહથી કે લોભથી એ કુદેવ, કુઆગમ તથા કુલિંગી – વેષધારીને પ્રણામ કે તેમનો વિનય જે સમ્યગ્દ્રષ્ટિ છે તે કરતો નથી૧, તેઓના સંસર્ગથી પણ શ્રદ્ધાન બગડે છે – ધર્મની પ્રાપ્તિ તો દૂર જ રહી એમ જાણવું.
હવે મિથ્યાદ્રષ્ટિ કેવો હોય છે તે કહે છેઃ —