ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — જે જીવ દોષોસહિત દેવોને તો દેવ માને છે, જીવહિંસા સહિતમાં ધર્મ માને છે તથા પરિગ્રહાસક્તને ગુરુ માને છે તે પ્રગટપણે મિથ્યાદ્રષ્ટિ છે.
ભાવાર્થઃ — ભાવમિથ્યાદ્રષ્ટિ તો અદ્રષ્ટ – છુપો મિથ્યાદ્રષ્ટિ છે, પરંતુ જે રાગ-દ્વેષ-મોહ આદિ અઢાર દોષોસહિત કુદેવોને દેવ માની વંદે – પૂજે છે, હિંસા – જીવઘાતાદિમાં ધર્મ માને છે તથા પરિગ્રહમાં આસક્ત એવા વેષધારીને ગુરુ માને છે તે તો પ્રગટ – પ્રસિદ્ધ મિથ્યાદ્રષ્ટિ છે.
હવે કોઈ કહે છે કે ‘‘વ્યંતરાદિ દેવ લક્ષ્મી આપે છે – ઉપકાર કરે છે, તો તેઓનું પૂજન – વંદન કરવું કે નહિ?’ તેનો ઉત્તર કહે છેઃ –
અર્થઃ — આ જીવને કોઈ વ્યંતરાદિ દેવ લક્ષ્મી આપતો નથી, કોઈ અન્ય ઉપકાર પણ કરતો નથી, પરંતુ માત્ર જીવનાં પૂર્વસંચિત શુભાશુભ કર્મો જ ઉપકાર કે અપકાર કરે છે.
ભાવાર્થઃ — કોઈ એમ માને છે કે — ‘‘વ્યંતરાદિ દેવ અમને લક્ષ્મી આપે છે – અમારો ઉપકાર કરે છે તેથી તેઓનું અમે પૂજન – વંદન કરીએ છીએ,’’ પણ એ જ મિથ્યાબુદ્ધિ છે. પ્રથમ તો આ કાળમાં ‘કોઈ વ્યંતરાદિ આપતો હોય’ એવું પ્રત્યક્ષ પોતે દેખ્યું નથી – ઉપકાર કરતો દેખાતો નથી. જો એમ હોય તો તેને પૂજવાવાળા જ દરિદ્રી-દુઃખી – રોગી શા માટે રહે? માટે તે વ્યર્થ કલ્પના કરે છે. વળી પરોક્ષરૂપ પણ એવો નિયમરૂપ સંબંધ દેખાતો નથી કે જે પૂજે તેમને અવશ્ય ઉપકારાદિ થાય જ છે; માત્ર આ મોહી જીવ નિરર્થક જ વિકલ્પ ઉપજાવે છે. પૂર્વસંચિત શુભાશુભકર્મો છે તે જ આ જીવને સુખ, દુઃખ, ધન, દરિદ્રતા, જીવન, મરણ કરે છે.