ધર્માનુપ્રેક્ષા ]
સમ્યક્ત્વગુણપ્રધાનનો આવો પણ અર્થ થાય છે કે – પચ્ચીસ મળદોષ રહિત હોય, પોતાના નિઃશંકિતાદિ અને સંવેગાદિ ગુણો સહિત હોય એવા સમ્યક્ત્વના ગુણોથી જે પ્રધાનપુરુષ હોય તે દેવેન્દ્રાદિ દ્વારા પૂજનીય થાય છે – સ્વર્ગને પ્રાપ્ત થાય છે.
અર્થઃ — સમ્યગ્દ્રષ્ટિજીવ દુર્ગતિના કારણરૂપ અશુભકર્મોને બાંધતો નથી, પરંતુ પૂર્વે ઘણા ભવોમાં બાંધેલાં પાપકર્મોનો પણ નાશ કરે છે.
ભાવાર્થઃ – સમ્યગ્દ્રષ્ટિ મરણ કરીને પ્રથમ નરક વિનાનાં બાકીનાં નરકોમાં જતો નથી, જ્યોતિષ, વ્યંતર અને ભવનવાસી દેવ થતો નથી, સ્ત્રીપર્યાયમાં ઊપજતો નથી, પાંચ સ્થાવર, ત્રણ વિકલેન્દ્રિય (બે – ત્રણ – ચાર ઇન્દ્રિયધારી), અસંજ્ઞી, નિગોદ, મ્લેચ્છ તથા કુભોગભૂમિમાં ઊપજતો નથી; કારણ કે તેને અનંતાનુબંધીકષાયના ઉદયના અભાવથી દુર્ગતિના કારણરૂપ કષાયોના સ્થાનકરૂપ પરિણામો થતા નથી. અહીં તાત્પર્ય એ જાણવું કે – ત્રણ કાળ અને ત્રણ લોકમાં સમ્યગ્દર્શન સમાન કલ્યાણરૂપ અન્ય કોઈ પદાર્થ નથી અને મિથ્યાદર્શન સમાન કોઈ શત્રુ નથી, એટલા માટે શ્રી ગુરુનો ઉપદેશ છે કે પોતાના સર્વસ્વ ઉપાય - ઉદ્યમ-યત્નથી પણ એક મિથ્યાત્વનો નાશ કરી સમ્યક્ત્વ અંગીકાર કરવું. એ પ્રમાણે ગૃહસ્થ-ધર્મના બાર ભેદોમાં સમ્યક્ત્વ – સહિતપણારૂપ પ્રથમ ભેદનું નિરૂપણ કર્યું.
હવે પ્રતિમાના અગિયાર ભેદ છે તેનું સ્વરૂપ કહે છે. ત્યાં પ્રથમ જ દાર્શનિક શ્રાવકનું સ્વરૂપ કહે છેઃ —