ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — જે શ્રાવક બે ઇન્દ્રિય, ત્રણ ઇન્દ્રિય, ચાર ઇન્દ્રિય અને પંચેન્દ્રિયરૂપ ત્રસજીવોનો મન-વચન-કાયા દ્વારા પોતે ઘાત કરે નહિ, બીજાની પાસે કરાવે નહિ તથા કોઈ બીજો કરતો હોય તો તેને ભલો માને નહિ તેને પ્રથમ અહિંસાણુવ્રત હોય છે. તે શ્રાવક કેવો છે? વ્યાપારાદિ કાર્યોમાં દયા સહિત પ્રવર્તે છે, પ્રાણીમાત્રને પોતા સમાન માને છે, વ્યાપારાદિ કાર્યોમાં હિંસા થાય છે તે બદલ પોતાના દિલમાં પોતાની નિંદા કરે છે, ગર્હાપૂર્વક ગુરુની આગળ પોતાનું પાપ કહે છે, જે પાપ લાગે છે તેનું ગુરુની આજ્ઞા પ્રમાણે આલોચન, પ્રતિક્રમણ અને પ્રાયશ્ચિત્તાદિક લે છે તથા જેમાં ઘણી હિંસા થતી હોય એવાં મહાઆરંભયુક્ત મોટા વ્યાપારાદિ કાર્યોને છોડતો થકો પ્રવર્તે છે.
ભાવાર્થઃ — ત્રસજીવનો ઘાત પોતે કરે નહિ. બીજા પાસે કરાવે નહિ અને એમ કરનારને ભલો જાણે નહિ. પરજીવોને પોતા સમાન જાણે એટલે પરઘાત કરતો નથી. જેમાં ત્રસજીવનો ઘાત ઘણો થાય એવા મોટા આરંભને છોડે અને અલ્પ આરંભમાં ત્રસઘાત થાય તેમાં પણ પોતાની નિંદા – ગર્હાપૂર્વક આલોચન – પ્રતિક્રમણ – પ્રાયશ્ચિત્તાદિ કરે. અન્ય ગ્રંથોમાં તેના અતિચારો કહ્યા છે તે ટાળે. અહીં ગાથામાં અન્ય જીવોને પોતાસમાન કહ્યા છે તેમાં અતિચાર ટાળવાના પણ આવી ગયા, કારણ કે પરજીવને વધ, બંધન, અતિભારઆરોપણ, અન્નપાનનિરોધનમાં દુઃખ થાય છે, હવે પરજીવોને જો પોતાસમાન જાણે તો તે એમ શા માટે કરે? (ન જ કરે)
હવે બીજું સત્યાણુવ્રત કહે છેઃ —