ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — પર્યંકાસન બાંધી અથવા ઊભા ખડગાસને રહીને, કાળનું પ્રમાણ કરી, વિષયોમાં ઇન્દ્રિઓનો વ્યાપાર નહિ થવા અર્થે જિનવચનમાં એકાગ્રચિત્ત કરી, કાયાને સંકોચી, હાથની અંજલિ જોડી, પોતાના સ્વરૂપમાં લીન થયો થકો અથવા સામાયિક – વંદનાના પાઠના અર્થને ચિંતવતો થકો, ક્ષેત્રનું પરિમાણ કરી સર્વ સાવદ્યયોગ જે ઘર – વ્યાપારાદિ પાપયોગ તેનો ત્યાગ કરી, પાપયોગરહિત બની સામાયિકમાં પ્રવર્તે તે શ્રાવક તે કાળમાં મુનિ જેવો છે.
ભાવાર્થઃ — આ શિક્ષાવ્રત છે. ત્યાં એ અર્થ સૂચિત છે કે જે સામાયિક છે તેમાં સર્વ રાગ-દ્વેષરહિત બની, બહારની સર્વ પાપયોગક્રિયાથી રહિત થઈ, પોતાના આત્મસ્વરૂપમાં તલ્લીન બની મુનિ પ્રવર્તે છે. આ સામાયિકચારિત્ર મુનિનો ધર્મ છે. એ જ શિક્ષા શ્રાવકને પણ આપવામાં આવે છે કે સામાયિકના કાળની મર્યાદા કરી તે કાળમાં મુનિની માફક પ્રવર્તે છે; કારણ કે મુનિ થયા પછી આ પ્રમાણે સદા રહેવું થશે. એ અપેક્ષાથી શ્રાવકને તે કાળમાં મુનિ જેવો કહ્યો છે.
હવે પ્રોષધોપવાસ નામનું બીજું શિક્ષાવ્રત કહે છેઃ —