ધર્માનુપ્રેક્ષા ]
અર્થઃ — જે સમ્યગ્દ્રષ્ટિ શ્રાવક બાર આવર્ત સહિત, ચાર પ્રણામ સહિત, બે નમસ્કાર કરતો થકો પ્રસન્ન છે. આત્મા જેનો એવો ધીર – દ્રઢચિત્ત બનીને કાયોત્સર્ગ કરે છે અને ત્યાં પોતાના ચૈતન્યમાત્ર શુદ્ધસ્વરૂપને ધ્યાવતો – ચિંતવતો રહે છે, વા જિનબિંબને ચિંતવતો રહે છે વા પરમેષ્ઠિવાચક પાંચ નમોકારને ચિંતવતો રહે છે, વા કર્મોદયના રસની જાતિને ચિંતવતો રહે છે તેને સામાયિકવ્રત હોય છે.
ભાવાર્થઃ — સામાયિકનું વર્ણન પહેલાં શિક્ષાવ્રતમાં કર્યું હતું કે ‘રાગદ્વેષ છોડી સમભાવપૂર્વક ક્ષેત્ર – કાળ – આસન – ધ્યાન – મનશુદ્ધિ – વચનશુદ્ધિ – કાયશુદ્ધિ સહિત કાળની મર્યાદા કરી એકાન્તસ્થાનમાં બેસી સર્વે સાવદ્યયોગનો ત્યાગ કરી ધર્મધ્યાનરૂપ પ્રવર્તે; એમ કહ્યું હતું. અહીં વિશેષ એ કહ્યું કે ‘કાયાથી મમત્વ છોડી કાયોત્સર્ગ કરે ત્યાં આદિ – અંતમાં બે નમસ્કાર કરે, ચાર દિશા સન્મુખ થઈ ચાર શિરોનતિ કરે, એક એક શિરોનતિમાં મન-વચન-કાયની શુદ્ધતાની સૂચનારૂપ ત્રણ ત્રણ એમ બાર આવર્ત કરે. એ પ્રમાણે કરી કાયાથી મમત્વ છોડી નિજસ્વરૂપમાં લીન થાય, વા જિનપ્રતિમામાં ઉપયોગને લીન કરે, વા પંચપરમેષ્ઠિવાચક અક્ષરોનું ધ્યાન કરે તથા (એમ કરતાં) ઉપયોગ કોઈ હરકત તરફ જાય તો ત્યાં કર્મોદયની જાતિને ચિંતવે કે આ શાતાવેદનીયનું ફળ છે, વા આ અશાતાવેદનીયની જાતિ છે, વા આ અંતરાયના ઉદયની જાતિ છે ઇત્યાદિ કર્મના ઉદયને ચિંતવે? આટલું વિશેષ કહ્યું. વળી આ પ્રમાણે પણ વિશેષ જાણવું કે — શિક્ષાવ્રતમાં તો મન-વચન-કાય સંબંધી કોઈ અતિચાર પણ લાગે છે, વા કાળની મર્યાદા આદિ ક્રિયામાં હીન-અધિક પણ થાય છે, અને અહીં પ્રતિમાની પ્રતિજ્ઞા છે તે તો અતિચાર રહિત શુદ્ધ પળાય છે, ઉપસર્ગાદિના નિમિત્તથી પ્રતિજ્ઞાથી ચળતો નથી એમ જાણવું. આના પાંચ અતિચાર છે. મન-વચન-કાયનું અસ્થિર થવું, અનાદર કરવો, ભૂલી જવું એ (પાંચ) અતિચાર ન લગાવે. એ પ્રમાણે બાર ભેદની અપેક્ષાએ આ સામાયિકપ્રતિમા ચોથો ભેદ થયો.