૨૧૦ ]
કઠણ છે એવી જીહ્વાઇન્દ્રિયને જીતી, દયાભાવ પ્રગટ કર્યો તથા જિનેશ્વરદેવના વચનનું પાલન કર્યું.
ભાવાર્થઃ — સચિત્તના ત્યાગમાં મોટો ગુણ છે, તેનાથી જીહ્વાઇન્દ્રિયનું જીતવું થાય છે, પ્રાણીઓની દયા પળાય છે તથા ભગવાનનાં વચનનું પાલન થાય છે; કારણ કે હરિતકાયાદિ સચિત્તમાં ભગવાને જીવ કહ્યા છે એ આજ્ઞા પાલન થઈ. સચિત્તમાં મળેલી વા સચિત્તથી બંધ – સંબંધરૂપ વસ્તુ ઇત્યાદિક તેના અતિચાર છે. એ અતિચાર લગાવે નહિ તો શુદ્ધ ત્યાગ થાય અને ત્યારે જ પ્રતિમાનું પાલન થાય છે. ભોગોપભોગવ્રત અને દેશાવકાશિકવ્રતમાં પણ સચિત્તનો ત્યાગ કહ્યો છે, પરંતુ ત્યાં નિરતિચાર – નિયમરૂપ (ત્યાગ) નથી અને અહીં નિયમરૂપ નિરતિચાર ત્યાગ હોય છે. એ પ્રમાણે સચિત્તત્યાગ નામની પાંચમી પ્રતિમાનું વા બાર ભેદોમાં છઠ્ઠા ભેદનું વર્ણન કર્યું.
હવે રાત્રિભોજનત્યાગ નામની છઠ્ઠી પ્રતિમા કહે છેઃ —
અર્થઃ — જે જ્ઞાની સમ્યગ્દ્રષ્ટિશ્રાવક રાત્રિ વિષે ચાર પ્રકારના અશન, પાન, ખાદ્ય અને સ્વાદ્ય આહારને ભોગવતો નથી-ખાતો નથી તથા બીજાને તેવું ભોજન કરાવતો નથી તે શ્રાવક રાત્રિભોજનનો ત્યાગી હોય છે.
ભાવાર્થઃ — માંસભક્ષણદોષ તથા બહુઆરંભી ત્રસઘાતદોષની અપેક્ષાએ રાત્રિભોજનનો ત્યાગ તો પહેલી – બીજી પ્રતિમામાં કરાવ્યો છે. પરંતુ ત્યાં તો કૃત-કારિત-અનુમોદના તથા મન-વચન-કાયાના કોઈ દોષ લાગે છે, તેથી શુદ્ધ ત્યાગ નથી અને અહીં તો (એ બધા દોષો ટાળી) શુદ્ધ ત્યાગ થાય છે, માટે તેને પ્રતિમા કહી છે.