પુણ્યના જ અર્થે એટલે પ્રયોજનથી અંગિકાર ન કરવા.
અશુભઆયુ અને અશુભગોત્રને પાપકર્મ કહે છે. હવે અહીં આ
દશલક્ષણધર્મ પાપને નાશ કરવાવાળો તથા પુણ્યને ઉપજાવવાવાળો કહ્યો;
ત્યાં કેવળ પુણ્ય ઉપજાવવાનો અભિપ્રાય રાખી તેને ન સેવવો, કારણ
કે પુણ્ય પણ બંધ જ છે. અને આ ધર્મ તો પાપ જે ઘાતિકર્મ છે તેને
નાશ કરવાવાળો છે. તથા અઘાતિમાં જે અશુભપ્રકૃતિ છે તેનો નાશ કરે
છે. પુણ્યકર્મ છે તે સાંસારિક અભ્યુદયને આપે છે. હવે તેનાથી
(દશલક્ષણધર્મથી) વ્યવહારઅપેક્ષાએ તેનો પણ (પુણ્યનો પણ) બંધ થાય
છે તો તે સ્વયમેવ જ થાય છે, પણ તેની વાંચ્છા કરવી એ તો સંસારની
જ વાંચ્છા કરવા તુલ્ય છે અને એ તો નિદાન (ચોથું આર્ત્તધ્યાન) થયું,
મોક્ષના જિજ્ઞાસુને તે હોય નહિ. જેમ ખેડૂત અનાજ માટે ખેતી કરે છે,
તેને ઘાસ તો સ્વયમેવ થાય છે, તેની વાંચ્છા તે શા માટે કરે? તેમ
મોક્ષના અર્થીને એ પુણ્યબંધની વાંચ્છા કરવી યોગ્ય નથી.