૨ ]
[ સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા
કરી સ્વામિકાર્ત્તિકેયાનુપ્રેક્ષા નામના ગ્રંથની દેશભાષામય વચનિકા કરીએ
છીએ; ત્યાં સંસ્કૃત ટીકા અનુસાર મારી બુદ્ધિ પ્રમાણે ગાથાનો સંક્ષેપમાં
અર્થ લખીશ; તેમાં કોઈ ઠેકાણે ભૂલ હોય તો વિશેષ બુદ્ધિમાન સુધારી
લેશો*.
શ્રીમાન્ સ્વામી કાર્ત્તિકેયાચાર્ય, પોતાનાં જ્ઞાન-વૈરાગ્યની વૃદ્ધિ થવી,
નવીન શ્રોતાજનોને જ્ઞાન-વૈરાગ્ય ઊપજવાં તથા વિશુદ્ધતા થવાથી
પાપકર્મની નિર્જરા, પુણ્યનું ઉપાર્જન, શિષ્ટાચારનું પાલન અને
નિર્વિધ્નપણે ગ્રંથની સમાપ્તિ ઇત્યાદિ અનેક ભલા ફળની ઇચ્છાપૂર્વક
પોતાના ઇષ્ટદેવને નમસ્કારરૂપ મંગલપૂર્વક પ્રતિજ્ઞા કરી પ્રથમ ગાથાસૂત્ર
કહે છેઃ —
तिहुवणतिलयं देवं वंदित्ता तिहुवणिंदयपरिपुज्जं ।
वोच्छं अणुपेहाओ भवियजणाणंदजणणीओ ।।१।।
त्रिभुवनतिलकं देवं वंदित्वा त्रिभुवनेन्द्रपरिपूज्यं ।
वक्ष्ये अनुप्रेक्षाः भविकजनानन्दजननीः ।।१।।
અર્થઃ — ત્રણ ભુવનના તિલક અને ત્રણ ભુવનના ઇન્દ્રોથી પૂજ્ય
એવા દેવને નમસ્કાર કરી હું ભવ્યજીવોને આનંદ ઉપજાવવાવાળી
અનુપ્રેક્ષા કહીશ.
ભાવાર્થઃ — અહીં ‘દેવ’ એવી સામાન્ય સંજ્ઞા છે. ત્યાં ક્રીડા,
વિજિગીષા, દ્યુતિ, સ્તુતિ, મોદ, ગતિ, કાંતિ આદિ ક્રિયા કરે તેને દેવ
કહેવામાં આવે છે. ત્યાં સામાન્યપણે તો ચાર પ્રકારના દેવ વા કલ્પિત
દેવોને પણ (દેવ) ગણવામાં આવે છે. તેમનાથી (જિનદેવને) ભિન્ન
દર્શાવવા માટે અહીં ‘त्रिभुवनतिलकं’ એવું વિશેષણ આપ્યું છે. તેનાથી
અન્ય દેવનો વ્યવચ્છેદ (નિરાકરણ – ખંડન) થયો.
*અહીં ભાષાનુવાદક સ્વર્ગીય પં. જયચંદ્રજીએ સમસ્ત ગ્રંથની સંક્ષિપ્ત સૂચનારૂપ
પીઠિકા લખી છે, પણ તેને અહીં નહિ મૂકતાં આધુનિક પ્રથાનુસાર અમે
ભૂમિકામાં (પ્રસ્તાવનામાં) લખી છે.